ઈશરત કેસમાં અમિત શાહને ફસાવવાની પૂરેપૂરી તૈયારી હતી

નવી દિલ્હી: ઈશરત જ્હાં નકલી એન્કાઉન્ટરમાં વડા પ્રધાન મોદીની નિકટના સાથી અને ભાજપના વર્તમાન અધ્યક્ષ અમિત શાહને ફસાવવાની પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી હતી. આ ઘટનામાં સામેલ આરોપીઓનાં આ માટે નિવેદનો પણ લેવામાં આવ્યાં હતાં અને સીબીઆઈએ અમિત શાહની પૂછપરછ પણ કરી હતી, પરંતુ રાજકીય હવાની દિશા જોઈને સીબીઆઈ અમિત શાહ વિરુદ્ધ આગળ વધવાની હિંમત કરી શકી ન હતી અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના આખરી તબક્કા પૂર્વે સીબીઆઈએ અદાલતમાં અમિત શાહને ક્લિન ચીટ આપી દીધી હતી.

જુલાઈ ૨૦૧૩માં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં સીબીઆઈએ સ્પષ્ટ કરી દીધું હતું કે લોકસભા ચૂંટણી પહેલા અમિત શાહ વિરુદ્ધ સીબીઆઈ એક વધુ ચાર્જશીટ દાખલ કરશે. ત્યાર બાદ અમિત શાહની બે વખત પૂછપરછ કરીને સીબીઆઈએ અમિત શાહને ફસાવવાના પોતાના ઈરાદાનો સંકેત પણ આપી દીધો હતો, પરંતુ લોકસભા ચૂંટણીમાં યુપીએ સરકારની હારની દહેશતે સીબીઆઈને રોકી દીધી હતી.

ફેબ્રુઆરી ૨૦૧૪માં દાખલ કરાયેલા પૂરક ચાર્જશીટમાં ટોચની તપાસ એજન્સીએ આઈબીના ચાર અધિકારીઓને આરોપી બનાવ્યા હતા અને તેમની વિરુદ્ધ અભિયોગ ચલાવવા માટે ગૃહ મંત્રાલયની મંજૂરી માગી હતી, પરંતુ અમિત શાહને લઈને મૌન ધારણ કર્યું હતું. અમિત શાહને સીબીઆઈએ જ્યારે માત્ર એક જ તબક્કાનું મતદાન બાકી હતું ત્યારે ૭મી મે ૨૦૧૪ના રોજ ક્લિન ચીટ આપી હતી, કારણ કે એનડીએનો વિજય સુનિશ્ચિત માનવામાં આવતો હતો.

આઈબીના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાજેન્દ્રકુમારે નરેન્દ્ર મોદીને ફસાવવા માટે પ્રલોભન આપ્યાં હોવાનો ખુલાસો કર્યો છે. અમિત શાહ વિરુદ્ધ એન્કાઉન્ટર પહેલાં અને પાછળથી આરોપીઓ સાથેની ફોન પર વાતચીતને આધાર બનાવવામાં આવ્યો હતો. સીબીઆઈનું કહેવું હતું કે એક આરોપી આઈપીએસ જી.એસ. સિંઘવી પાસેથી બે પેનડ્રાઈવ મળી છે જેમાં અમિત શાહ કહેવાતી રીતે તપાસને પ્રભાવિત કરવાની રણનીતિ ઘડતા નજરે પડે છે. જોકે સીબીઆઈએ સીડીની કાયદેસરતા અંગે કઈ જણાવ્યું ન હતું.

You might also like