મારું કામ દર્શકોને ગમશે તો હું ખુશ થઈશઃ ઈશિતા દત્તા

દૃશ્યમ્ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કર્યા બાદ ઇશિતા દત્તા ‘ફિરંગી’ ફિલ્મમાં પણ જોવા મળી. ઇશિતા સ્વભાવથી ખૂબ જ વિનમ્ર અને સરળ છે. તે પોતાની સફળતા માટે દરેક નાની નાની કોશિશ પણ કરવા ઇચ્છે છે, જે તેને ફિલ્મજગતમાં ઊંચાઇ પર લઇ જઇ શકે. કપિલ શર્મા સાથે કામ કરવાના અનુભવ અંગે ઇશિતા કહે છે કે હું તે અનુભવ શબ્દોમાં વર્ણવી શકતી નથી. કપિલજી ખૂબ જ વિનમ્ર અને પ્રતિભાસંપન્ન છે.

તેમની સાથે કામ કરવામાં ગૌરવ અનુભવું છું. મને બિલકુલ ન લાગ્યું કે તેમની અંદર સ્ટારડમ નામની કોઇ વસ્તુ છે. તે ખૂબ જ સરળ અને ખુશમિજાજ વ્યક્તિ છે. ઇશિતા દત્તાની બહેન તનુશ્રી દત્તા ફિલ્મજગતની એક જાણીતી અભિનેત્રી છે. તે કહે છે કે મારી દીદી બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેથી મને તેના નામનો લાભ મળ્યો.

ઇશિતા એ વાત પણ સ્વીકારે છે કે તે પોતાની દીદીના પ્રોત્સાહનથી જ સતત આગળ વધી રહી છે. તે કહે છે કે સમય-સમય પર હું અભિનયની બારીકાઇઓ શીખતી રહું છું. તેથી હું અભિનયના ક્ષેત્રમાં વધુ મજબૂત બની શકું. ઇશિતા તનુશ્રી વિશે વાત કરતાં કહે છે કે તે હાલમાં અમેરિકામાં છે અને ફિલ્મો માટે સંઘર્ષ પણ કરે છે. તે ખૂબ જલદી તમને પરદા પર જોવા મળશે, જોકે અધ્યાત્મ પ્રત્યે તેને રસ છે, પરંતુ તે કોઇ સંન્યાસી નથી અને તેણે ફિલ્મજગતને અલવિદા કહી નથી. ભવિષ્યની પોતાની મહત્ત્વાકાંક્ષાઓ વિશે જણાવતાં ઇશિતા કહે છે કે ફિલ્મજગતમાં હું એક સારી કલાકાર બની શકું તે જ મારી મહત્ત્વાકાંક્ષા છે. દર્શકોને મારું કામ પસંદ આવે તો હું ખૂબ જ ખુશ થઇશ. •

You might also like