ઈશાંત શર્મા બહુ જ અનિયમિત બોલરઃ રાજુ કુલકર્ણીના ગંભીર આરોપો

મુંબઈઃ
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર રાજુ કુલકર્ણીને એવું લાગે છે કે ઈશાંત શર્મા એક અનિયમિત બોલર છે અને તે ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરવામાં નિષ્ફળ રહ્યો છે.

રાજુના જણાવ્યા અનુસાર ઈશાંત ભારત તરફથી ૭૯ ટેસ્ટ રમી ચૂક્યો છે, જે શાનદાર છે, પરંતુ મને નથી લાગતું કે તેણે ક્યારેય ટીમને ફ્રન્ટથી લીડ કરી હોય અને આ જ તેની સૌથી મોટી સમસ્યા છે. તે બહુ જ અનિયમિત બોલર છે અને હંમેશાં નવી ટેકનિક અને રણનીતિ સાથે આવે છે, જેના કારણે તે ખુદ જ ભ્રમિત થઈ જાય છે, જોકે ઈશાંત શર્માએ સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે પહેલી ઇનિંગ્સમાં શાનદાર બોલિંગ કરી રાજુ કુલકર્ણીના આરોપોનો જડબાતોડ આપ્યો હતો.

ભારત તરફથી ત્રણ ટેસ્ટ અને ૧૦ વન ડે રમનારા ૫૫ વર્ષીય રાજુ કુલકર્ણીએ કહ્યું કે, ”પાછલી બંને ટેસ્ટ શ્રેણીમાં ઈશાંતે ઘણું બેવકૂફીભર્યું કામ કર્યું છે. સાથે જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં બહુ ખરાબ રીતે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે.

મને લાગે છે કે હંમેશાં તે કંઈક અલગ લઈને આવે છે અને તેના કારણે જ તે પોતાની બોલિંગમાં નિયમિત રહી શકતો નથી.” ઉલ્લેખનીય છે કે ઈશાંતે ૨૦૦૭માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધી ૭૯ ટેસ્ટમાં ૨૨૬ વિકેટ ઝડપી ચૂકયો છે. આ ઉપરાંત ૮૦ વન ડેમાં તેના નામ પર ૧૧૫ વિકેટ નોંધાયેલી છે.

રાજુએ જણાવ્યું કે, ”વર્તમાન ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણ ઘણું શાનદાર છે અને આપણી પાસે પર્યાપ્ત ફાસ્ટ બોલર છે, જે ઘણા ટેલેન્ટેડ છે. મને લાગે છે કે ખેલાડીઓની ફિટનેસ સૌથી મહત્ત્વની છે.”

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય બોલર્સના પ્રદર્શન અંગે રાજુએ કહ્યું, ”કેપટાઉન ટેસ્ટમાં બોલર્સે ભારતીય ટીમને જીતની નજીક લાવી દીધી હતી, પરંતુ બેટ્સમેનોના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.”

You might also like