ઈશાંતે પોતાના હિટ લિસ્ટમાં સામેલ કરેલા કૂકને 11મી વાર આઉટ કર્યો

નોટિંગહમઃ અહીં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં એલિસ્ટર કૂક માત્ર ૧૭ રન બનાવીને આઉટ થયો હતો. કૂકને ઈશાંત શર્માએ પેવેલિયન ભેગો કરી દીધો હતો. પ્રથમ ઈનિંગ્સમાં પણ કૂક ૨૯ રન બનાવી ઈશાંતનો શિકાર બન્યો હતો.

ઈશાંત શર્માનો સામનો કરવામાં એલિસ્ટર કૂકને બહુ મુશ્કેલી પડતી હોવાનું દેખાઈ રહ્યું છે. કૂકને જાણે કે ઈશાંત શર્માએ પોતાના હિટ લિસ્ટ સામેલ કરી લીધો હોય એવું લાગી રહ્યું છે. તે કૂકને ૧૧ વખત આઉટ કરી ચૂક્યો છે. ઈશાંતે તેની કરિયરમાં અન્ય કોઈ બેટ્સમેનને આટલી વાર આઉટ કર્યો નથી. આ ઉપરાંત ઈશાંત શર્માએ ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ ૪૯ વિકેટ પણ ઝડપી છે.

કૂકે ભારત સામે વર્તમાન શ્રેણીમાં ત્રણ ટેસ્ટની છ ઇનિંગ્સમાં ૧૬ની સરેરાશથી માત્ર ૮૦ રન જ બનાવ્યા છે. તે શ્રેણીમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી અને તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર ૨૯ રનનો જ રહ્યો છે. કૂકની નિષ્ફળતા બાદ તેના કરિયર સામે પણ હવે સવાલ ઊભા થવા લાગ્યા છે. ઈંગ્લિશ મીડિયામાં થઈ રહેલા ગણગણાટ મુજબ ચોથી ટેસ્ટ માટેની ટીમમાંથી તેને ડ્રોપ કરવામાં આવી શકે છે.

કૂક વર્તમાન સમયમાં સૌથી વધારે રન બનાવનારો ટેસ્ટ ખેલાડી છે. કૂક ટેસ્ટમાં ૧૨,૧૭૯ રન નોંધાવી ચૂક્યો છે અને હાલ તેની ઉંમર ૩૩ વર્ષ જ છે. તેથી એવું માનવામાં આવતું હતું કે તે સચીન તેંડુલકરના ૧૫,૯૨૧ ટેસ્ટ રનનો રેકોર્ડ તોડી શકે છે. જોકે હવે કૂકના કંગાળ ફોર્મને કારણે સચીનનો આ રેકોર્ડ તૂટવો મુશ્કેલ લાગી રહ્યો છે.

You might also like