નેહરાજીનો ગુરુમંત્રઃ ઈશાંત… લેન્થ, ઉમેશ… લાઇન, શામી ફિટનેસ સુધારે

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ ભારતીય બોલર્સને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે બોલિંગ ટિપ્સ આપતાં કહ્યું કે, ”ઈશાંત શર્માએ પોતાની લેન્થ પર મહેનત કરવાની જરૂર છે. તેણે પોતાની શોર્ટ લેન્થ બોલિંગ પર કામ કરવાની જરૂર છે.

તે બહુ જ સારો બોલર છે અને ટેસ્ટ ફોર્મેટમાં હંમેશાં તેના પર નજર રહે છે, પરંતુ હવે તેણે વધુ રન ખર્ચવાથી બચવું પડશે. આ સ્થિતિમાં જે તેની તાકાત છે તેના ઉપર તેણે કામ કરવાની જરૂર છે.”

આશિષ નેહરાએ કહ્યું, ”ઈશાંતે બહુ જલદી પોતાની લેન્થ સુધારવી પડશે. તેનામાં એ આવડત પણ છે, પરંતુ તે થોડી શોર્ટ બોલિંગ કરી રહ્યો છે. તેણે બેટ્સમેનને જોઈને પોતાની લાઇન અને લેન્થમાં સુધારો કરવાની જરૂર છે. જો તેણે આવું ના કર્યું તો એલિસ્ટર કૂક જેવો બેટ્સમેન તેના પર સવાર થઈ શકે છે.”

નેહરાએ ઈશાંતની પ્રશંસા કરતાં કહ્યું, ”ઈંગ્લેન્ડમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે તેથી ભારતને જો આ શ્રેણીમાં કમાલ કરવી હોય તો ઈશાંતે સમગ્ર શ્રેણીમાં ખુદને ફિટ રાખવો પડશે.”

જ્યારે આઇપીએલમાં આરસીબી તરફથી ઉમેશ યાદવને બોલિંગના ગુણ શીખવનારા નેહરાએ કહ્યું, ”આ બોલરે પોતાની લાઇન સુધારવાની જરૂર છે. તે બેટ્સમેનોને ઘણા ખરાબ બોલ આપી દે છે,પરંતુ હવે તેણે આ શ્રેણીમાં આવી બોલિંગથી બચવું પડશે.

ઉમેશે બોલિંગમાં જે વિવિધતા દેખાડવાની છે તે બોલને સ્ટમ્પ પર રાખીને દેખાડે, તેણે એવો બોલ ના ફેંકવો જોઈએ, જેના પર બેટ્સમેન પુલ અથવા કટ મારી શકે.”

મોહંમદ શામી ફિટનેસ અંગે વાત કરતાં આશિષ નેહરાએ જણાવ્યું, ”શામીએ પોતાની ફિટનેસ પર બહુ જ કામ કરવું પડશે. તમે શામી પાસે ઈશાંતની જેમ આઠ-નવ ઓવર એકસાથે બોલિંગ ના કરાવી શકો. શામીના ઘૂંટણ યોગ્ય નથી અને તાજેતરના સમયગાળામાં તે બહુ ક્રિકેટ પણ રમ્યો નથી.

ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન વિરાટે પણ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે શામીને બહુ મોટો સ્પેલ બોલિંગ ના કરાવાય. જો તે ફિટ હોય અને ફોર્મમાં હશે તો તે ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કરશે. તેણે ફોર્મમાં આવવા માટે વધુમાં વધુ બોલિંગ કરવી રહી.”

You might also like