ઇસનપુરમાં મેગા ડિમોલિશન: ૧૬૦થી વધુ દુકાનો તોડી પડાશે

અમદાવાદ: દક્ષિણ ઝોન ઇસનપુર વોર્ડમાં આજે સવારે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરાઇ છે. ગોવિંદવાડીથી ઇસનપુરબ્રિજ સુધીના ર૪ મીટર પહોળા રોડને દબાણમુક્ત કરવાની તંત્રની કામગીરીમાં દબાણકર્તા સ્વયંભૂ સાથ-સહકાર આપી રહ્યા હોઇ અત્યાર સુધી કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી. આ મેગા ડિમોલિશન આશરે બે-ત્રણ દિવસ સુધી ચાલશે.

દક્ષિણ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર વિશાલ ખનામા કહે છે કે ગોવિંદવાડીથી ઇસનપુરબ્રિજ સુધીના ર૪ મીટર પહોળાઇના ટીપી રોડને ખુલ્લો કરવાની કામગીરી આજે ઇસનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદથી શરૂ કરાઇ છે. આશરે ૧૬૦થી વધુ દુકાનોને આ ડિમોલિશન દરમિયાન દૂર કરાશે. ગ્રાઉન્ડ વત્તા એક માળ ઊંચાઇ ધરાવતી આ દુકાનોને દૂર કરવાની કામગીરીમાં દુકાનદારો સ્વયંભૂ રીતે જોડાયા છે. ત્રણ જેસીબી મશીન સહિતની મશીનરી ઇસનપુરના મેગા ડિમોલિશન દરમ્યાન ઉપયોગમાં લેવાશે. આ મેગા ડિમોલિશન બેથી ત્રણ દિવસ સુધી ચાલવાનું છે.

વરસાદે વિરામ લેતાં કોર્પોરેશને શહેરભરના ટીપી રસ્તા પરના અનધિકૃત દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જોકે ઇસનપુરના મેગા ડિમોલિશનમાં કોમર્શિયલ બાંધકામો જ મહદંશે હોઇ એકાદ-બે રહેણાક મિલકત સિવાયની રહેણાક મિલકતોને દૂર કરવાની થતી નથી.

You might also like