ઈસનપુરમાં પડોશીઓ વચ્ચે હિંસક અથડામણઃ પાંચથી વધુ ઘાયલ થયા

અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ નિર્માણ સોસાયટીમાં રોડ બનાવવા બાબતે પાડોશીઓ આમનેસામને આવી જતાં હિંસક જૂથ અથડામણ થઇ હોવાની ક્રોસ ફરિયાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. મંગળવારની મોડી રાતે બનેલી આ ઘટનામાં 5 કરતાં વધુ લોકોને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ઇસનપુરના ચંડોળા તળાવ નજીક નિર્માણ સોસાયટીમાં રહેતા દશરથભાઇ રામખેરભાઇ કોરી તેમજ બાબુભાઇ રબારી વચ્ચે સોસાયટીના રોડ બનાવવા મુદ્દે ઘણા સમયથી બબાલ ચાલી રહી છે. થોડાક સમય પહેલાં દશરથભાઇએ બાબુભાઇના મકાન માટે વિરુદ્ધમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી પણ કરી હતી. તા. 14 માર્ચની મોડી રાતે દશરથભાઇના ઘરે મહેમાન આવ્યા હતા. તે સમયે બાબુભાઇ, વાસુભાઇ, વિષ્ણુભાઇ રબારી તેમજ 15 કરતાં વધુ લોકોના ટોળાએ એકાએક દશરથભાઇના ઘરે પહોંચીને લાકડીઓ તેમજ પાઇપથી હુમલો શરૂ કરી દીધો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ દશરથભાઇના ઘરમાં તોડફોડ પણ ચાલુ કરી દીધી હતી અને મહેમાનો તેમજ દશરથભાઇના પુત્ર ઉપર હુમલો કર્યો હતો.

દશરથભાઇએ પણ બાબુભાઇ અને ઉશ્કેરાયેલા ટોળાએ કરેલા હુમલાનો વળતો જવાબ આપવા માટે તેમણે પણ હુમલો શરૂ કરી દીધો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ પહોંચે તે પહેલાં ઉશ્કેરાયેલાં ટોળાં ફરાર થઇ ગયાં હતાં. આ હિંસક અથડામણમાં 5 કરતાં વધુ વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દશરથભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચી હોવાથી તેમની હાલત નાજુક હોવાનું તબીબો પાસેથી જાણવા મળ્યું છે.

ઇસનપુર પોલીસે દશરથભાઇ તેમજ બાબુભાઇની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. દશરથભાઇની ત‌િબયત નાજુક હોવાથી પોલીસે હજુ સુધી તેમનું નિવેદન લીધું નથી જ્યારે બાબુભાઇ પણ સારવાર અર્થે હોસ્પિટલમાં હોવાથી તેમની ધરપકડ કરી નથી.
http://sambhaavnews.com/

You might also like