ઇસનપુરમાં ફરી મેગા ડિમોલિશન?

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના ઇસનપુર વોર્ડમાં વેપારીઓ સામે ફરીથી ઓપરેશન ડિમોલિશનની તલવાર તોળાઇ રહી છે. દિવાળી પહેલાં આ વોર્ડના ગોવિંદવાડીથી ઇસનપુર ત્રણ રસ્તા બ્રિજ ટીપી રસ્તા પર કોર્પોરેશનનાં બુલડોઝર ફરી વળ્યાં હતાં અને હવે કલેક્ટર કાર્યાલય દ્વારા સરકારી જમીન પર દબાણ કર્યા સંદર્ભે નોટિસ ફટકારાઇ છે. આના પગલે વેપારીઓમાં ભારે રોષ ફેલાઇ ગયો છે.

કોર્પોરેશન દ્વારા ઇસનપુરમાં ટીપી-પ૩ હેઠળ છેલ્લા એક વર્ષથી દબાણો દૂર કરવાની નીતિ-રીતિ હેઠળ ગોવિંદવાડીથી ઇસનપુર ત્રણ રસ્તા બ્રિજ સુધીના ટીપી રોડને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. ૮૦ ફૂટના ટીપી રોડ પર દબાણોના કારણે રસ્તો ૪૦ થી પ૦ ફૂટનો થઇ ગયો હતો.

દિવાળી પહેલાં ૧૭પથી વધુ દુકાનોને તંત્રે જમીનદોસ્ત કરી હતી, જેના કારણે વેપારીઓમાં ભારે કચવાટ ફેલાઇ ગયો હતો. તે વખતે ટીપી-પ૩માં ફક્ત ર૦ ટકા અમલવારી થયાનો વિવાદ ઊઠ્યો હતો. કેટલીક દુકાનોને રાજકીય શેહશરમ હેઠળ બચાવી લેવાના પણ આક્ષેપ થયા હતા.

ઇસનપુર બજાર તરીકે ઓળખાતો આ વિસ્તાર ફરી વિવાદગ્રસ્ત બન્યો છે. છેલ્લાં ૪૦ વર્ષથી વેપાર કરનારા વેપારીઓની દુકાનો સંકટમાં મુકાઇ છે. આશરે રપ૦થી વધુ દુકાનદારોને કલેકટર કચેરીએથી નોટિસ બજવણી થવાની હોઇ વેપારીઆલમમાં રોષ ફેલાયો છે. મણિનગરના સિટી મામલતદારે સર્વે નં.૬૩ર હેઠળ અત્રેની જમીનને સરકારી જમીન તરીકે ગણાવાઇ છે. આ સરકારી જમીનમાં મંજૂરી વગર દબાણના કારણે પેનલ્ટી મુજબ ભાડું વસૂલ કરીને જે તે દબાણવાળી જગ્યાને ખુલ્લી કેમ ન કરાવવી તેનાં લેખિતમાં કારણો દર્શાવવા દબાણકર્તાઓને સૂચના અપાઇ છે. આ માટે આગામી તા.રર ડિસેમ્બરે લાલદરવાજા ખાતેના બહુમાળી બિલ્ડિંગમાં આવેલી મણિનગરના સિટી મામલતદારની કચેરીએ હાજર થવાનું પણ જે તે દબાણકર્તાને નોટિસમાં જણાવાયું છે.

સિટી મામલતદાર દ્વારા બે-ત્રણ દિવસ પહેલાં ર૦ થી રપ દુકાનદારોને નોટિસની બજવણી કરાઇ હોઇ આશરે રપ૦થી વધુ દુકાનદારો પ્રભાવિત થવાના છે. આ કામગીરી પાછળ ઇસનપુરના સ્થાનિક કોર્પોરેટરો તેમજ ધારાસભ્યની તંત્રમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત જવાબદાર હોવાના પણ આક્ષેપ થયા છે. ઇસનપુર બજારમાં ઇલે‌િકટ્રક, કાચ, હાર્ડવેર, કપડાં, વાસણ સહિતની દુકાનો હોઇ આજે બપોરે વેપારીઓ આગળની રણનીતિ નક્કી કરવા એકઠા થશે.
http://sambhaavnews.com/

You might also like