આ ૧ર૧ વર્ષના દાદા છે વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ!

સૌથી વૃદ્ધ પુરુષ હોવાનો દાવો કરી રહ્યા છે મેક્સિકોના મૅન્યુઅલ ગ્રૅસિયા હેર્નાન્ડેઝ નામના દાદા. તેમના બર્થ સર્ટિફિકેટ અને ઑફિશિયલ મૅક્સિન ઓળખપત્રમાં નોંધાયેલી તારીખ મુજબ મૅન્યુઅલ ૧ર૧ વર્ષના થઇ ગયા છે.

૧૮૯૬ના ડિસેમ્બર મહિનાની ર૪ તારીખે તેમનો જન્મ થયો હતો એવું તેમના નેશનલ ઇલેક્ટોરલ ઇનિસ્ટટ્યૂટના ઓળખપત્રમાં છે. જો તેમની જન્મતારીખ સાચી હોય તો તેઓ હાલના વિશ્વના સૌથી વયસ્ક પુરુષનું ટાઇટલ ધરાવતા જાપાનના મસાઝો નોનાકા કરતાં આઠ વર્ષ મોટા છે.

મસાઝોની જન્મતારીખ ૧૯૦પની રપ જુલાઇ છે. ૧ર૧ વર્ષે મૅન્યુઅલ દાદા એકદમ ફિટ અૅન્ડ ફાઇન છે. તેમના કહેવા મુજબ તેમનું શરીર ૮૦ વર્ષની વ્યક્તિ જેવું જ છે. તેમને બહુ જલદી થાક લાગી જાય છે અને ચાલતાં-ચાલતાં લથડી પડાય છે, છતાં તેઓ પગ વાળીને બેસતા નથી. તેમનું કહેવું છે કે જો હું પથારીમાં પડ્યો રહીશ કે ખુરશીમાં બેસી રહીશ તો જલદી માંદો પડી જઇશ.

હાલમાં તેઓ દીકરીના ઘરની બાજુમાં જ રહે છે. ઘરનું નાનું-મોટું કામ તેઓ કર્યા કરે છે અને દોહિત્રો સાથે રમે છે. મૅન્યુઅલનું કહેવું છે કે ખૂબ નાની ઉંમરથી કામ કરવાનું શરૂ કરેલું અને હજુ ચાલુ રાખ્યું છે એ જ તેમની તંદુરસ્તીનું રાઝ છે.

You might also like