રામમંદિર માટે સંઘ ખરેખર ગંભીર છે કે પછી માત્ર ચૂંટણી પ્રયુક્તિઓ?

હવે જેમ જેમ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અને ર૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ રામમંદિરનો રાગ જોરશોરથી આલાપવાનું શરૂ થઇ ગયું છે. આરએસએસના સુપ્રીમો મોહન ભાગવત બાદ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ રામમંદિર નિર્માણની જોરદાર હિમાયત કર્યા બાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ભવ્ય રામમંદિર નિર્માણ માટે જોરશોરથી આહ્વાન કરી દીધુું છે.

યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે ભગવાન રામચંદ્ર વગર જનકલ્યાણનો માર્ગ પ્રશસ્ત થઇ શકે નહીં. બીજી બાજુ ર૯ ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટમાં પણ રામમંદિરની સુનાવણી શરૂ થઇ રહી છે. આમ, જ્યારે ચોમેરથી રામમંદિર ગાજવા લાગ્યું છે ત્યારે પ્રશ્ન એ છે કે શું ભાજપ, સંઘ અને શિવસેના રામમંદિર માટે ખરેખર ગંભીર છે કે પછી માત્ર ચૂંટણી પ્રયુક્તિઓ છે.

તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દશેરાના દિવસે રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો અનેે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સરકાર સંસદમાં કાયદો ઘડે તેવી વાત કરી હતી. આ પછી શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ પણ અયોધ્યામાં રામમંદિરના નિર્માણની વાત કરી અને ભાગવતથી એક પગલું આગળ વધીને કહી દીધું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે વટહુકમ લાવવો જોઈએ.

ઉદ્ધવ ઠાકરેએ તો એલાન પણ કરી દીધું કે પોતે આવતા મહિને અયોધ્યા જશે અને સાધુ-સંતોને મળીને રામમંદિર મામલે શું કરવું એની ચર્ચા કરશે તેમજ મોદી સરકારનો જવાબ પણ માગવામાં આવશે તેમજ જો મોદી સરકાર હાથ અધ્ધર કરીને કહી દે કે અમારાથી હમણાં મંદિર બનાવાય એમ નથી તો શિવસેના દેશના તમામ હિંદુઓને ભેગા કરીને રામમંદિરના નિર્માણની ઝુંબેશ શરૂ કરશે.

ઉદ્ધવના કહેવા પ્રમાણે ભાજપના નેતાઓ પોતાના રાજકીય ફાયદા માટે રામમંદિરના મુદ્દાનો ઉપયોગ કરી રહ્યા છે. આમ પણ ઉદ્ધવ ઠાકરે છેલ્લા કેટલાક વખતથી રામમંદિર મામલે ભાજપની પાછળ પડી ગયા છે.

તાજેતરમાં શિવસેેનાના સંજય રાઉતે દેશભરના હિંદુઓને રામમંદિરના નિર્માણ માટે શિવસેનામાં જોડાવાની અપીલ કરી હતી. રાઉતે પણ રામમંદિરના નિર્માણ માટે વટહુકમ લાવવાની વાત કરેલી. રાઉતે કહેલું કે રામમંદિરનો મુદ્દો કાનૂની નથી કે તેનો કોર્ટમાં ઉકેલ લાવી શકાય. આ મુદ્દો ધાર્મિક અને સામાજિક છે અને સરકાર જ તેનો ઉકેલ લાવી શકે.

રાઉતે તો સવાલ પણ કર્યો હતો કે દેશના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ સુધ્ધાં ભાજપના છે ત્યારે હજુ રામમંદિરના નિર્માણ માટે કયા મૂરતની રાહ જોવામાં આવી રહી છે?

મોહન ભાગવતે રામમંદિરની વાત ભાજપના લાભાર્થે કરી હોય તે વાત કહેવાની જરૂર નથી. દર ચૂંટણીમાં ભાજપ કોઈ ને કોઈ કારણને આગળ કરીને રામમંદિરનો મુદ્દો ચગાવતો આવ્યો છે અને સત્તા મળ્યા બાદ સિફતપૂર્વક રામમંદિરના મુદ્દાથી કિનારો કરી લેતો આવ્યો છે.

આમ જોઇએ તો રામમંદિરના મામલે શિવસેનાનું વલણ ભાજપ કરતાં વધારે સ્પષ્ટ છે અને વધારે મર્દાનગીભર્યું પણ છે. ભાજપે તો અત્યાર સુધી રામમંદિરનો મુદ્દો ચગાવ્યો અને તેનો ભરપૂર રાજકીય લાભ લીધો.

આ અગાઉ ભાજપે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવાં રાજકીય સંગઠનોને આગળ કરીને દેશભરમાં શિલાપૂજનનો કાર્યક્રમ કરાવ્યો હતો. ભૂતકાળમાં રામમંદિરના મુદ્દે ચૂંટણીમાં મોટો લાભ ખાટનાર ભાજપ ફરી વાર રામમંદિર પર તરી જવા માગે છે.

You might also like