ISના હુમલા અંગે સતર્ક રહેવા કેન્દ્રની રાજ્યોને સૂચના

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે ચેતવણી આપતા કહ્યું હતું કે, આઈએસઆઈએસના નેતૃત્વમાં હુમલાઓની શક્યતા ભારતમાં પણ રહેલી છે. આ પ્રકારના હુમલાઓની શક્યતાને નકારી શકાય નહીં. પેરિસમાં ભીષણ ત્રાસવાદી હુમલા બાદ રાજનાથસિંહે આજે આ અંગેની પ્રતિક્રિયા આપી હતી.
ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી હુમલાના ખતરાના સંદર્ભમાં તમામ રાજ્યોને ચેતવણી જારી કરવામાં આવેલી છે. શકમંદો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દેશભરમાં આઈએસ સાથે સાંઠગાંઠ ધરાવનાર શકમંદો ઉપર પણ નજર રખાઈ રહી છે.
રાજનાથસિંહે ઉમેર્યું હતું કે, ભારત આ પ્રકારના હુમલાને પહોંચી વળવા સક્ષમ છે. પેરિસમાં થયેલા હુમલા બાદ આઇએસ પર વળતા હુમલાને ભારતે સમર્થનની કરેલી જાહેરાત બાદ આઇએસ દ્વારા હુમલાની વધી ગયેલી શક્યતાના સંદર્ભમાં રાજનાથ સિંહનું આ નિવેદન આવ્યું હતું.
તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ગૃહમંત્રાલય દ્વારા આ અંગે એક સલાહ-સૂચના જારી કરીને એલર્ટ રહેવા જણાવાયું છે. તેમાં જણાવાયું હતું કે આમ તો આઇએસ ભારતમાં તેની સૂચક હાજરી ઊભી કરી શક્યું નથી, પરંતુ ભારતમાં કાર્યરત કેટલાક આતંકી જૂથોના સમર્થનથી ભારતમાં આઇએસ પ્રેરિત આતંકવાદી હુમલા થવાની શક્યતા છે. ખાસ કરીને દેશના પાંચ રાજ્યોને વધુ સતર્ક રહેવા જણાવાયું છે. તેમાં જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને આસામનો સમાવેશ થાય છે.
આ સલાહ-સૂચનમાં રાજ્યોની પોલીસને આઇએસ અંગેની માહિતીની સમીક્ષા કરવા. યોજનાઓને
ઓળખી કાઢવા, અને હુમલો થઇ શકે તેવા સંવેદનશીલ સ્થાનો શોધી કાઢીને તેને નિવારવા યોગ્ય પગલાં લેવા જણાવાયું છે.
તેમાં ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, જર્મની, રશિયા, ઓસ્ટ્રેલિયા, તુર્કિ અને ઇઝરાયેલના દૂતાવાસો અને તેની વિદેશી કચેરીઓ પર તકેદારીના પગલાં લેવા જણાવાયું છે.
પેરિસમાં ૧૩/૧૧ હુમલા બાદ વિશ્વના દેશો હાઈએલર્ટ ઉપર છે. આ હુમલામાં ૧૬૦ લોકોના મોત થયા હતા.
નવી દિલ્હીમાં બીજી આઈએસડીઆર એશિયા પાર્ટનરશીપ મિટિંગનું ઉદ્ઘાટન કરતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં પણ આઈએસના નેતૃત્વમાં હુમલાઓની શક્યતા રહેલી છે. ભારતને દેશભરમાં હાઈએલર્ટ રહેવાની જરૂર છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, આઈએસ તરફથી હુમલાઓનો ખતરો ચોક્કસપણે તોળાઈ રહ્યો છે. આ એક વૈશ્વિક
પડકાર છે.
આતંકવાદ સામે લડવામાં તમામ દેશો એક સાથે આવે તે જરૂરી છે. દેશમાં આઈએસનો ખતરો યથાવત રીતે તોળાઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સંપૂર્ણપણે એલર્ટ છે. આતંકવાદી સંગઠન તરફથી ખતરાને લઈને ભારત બિલકુલ સાવધાન છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારત દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે.
જોકે તેમણે ઉમેર્યું હતું કે, આઈએસનો ખતરો કોઈપણ દેશના કોઈ ખાસ સંગઠનને સીધી રીતે રહેલો નથી. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે અને તેનો નિકાલ તમામને સાથે મળીને કરવાની જરૂર છે.

You might also like