ઈરાકમાં આઇએસના આતંકવાદીઓએ ભારતીયોના માથામાં ગોળી મારી હતી

નવી દિલ્હી: તાજેતરમાં વિદેશ રાજ્યપ્રધાન વી. કે. સિંહ ઈરાકથી ૩૮ ભારતીયોના મૃતદેહના અવશેષો લઈ ભારત પરત આવ્યા છે ત્યારે ડેથ સર્ટિફિકેટ પરથી જાણવા મળ્યું છે કે આઈએસના આતંકીઓએ મોટા ભાગના ભારતીયોને માથામાં ગોળી મારી હત્યા કરી હતી.

ઈરાકમાં જે ભારતીયોનાં મોત થયાં છે તેમાં મોટા ભાગના ૨૬ થી ૩૫ વર્ષની વયના હોવાનું જાણવા મળે છે અને આઈએસના આતંકીઓએ તેમની માથામાં ગોળી મારીને બર્બરતાથી હત્યા કરી હોવાનું પણ બહાર આવ્યું છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાકમાં માર્યા ગયેલા ૩૯ ભારતીયના પરિવારોને ૧૦ લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી. આ પહેલાં ૩૮ ભારતીયોના અવશેષ અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા, જે પૈકી ૨૭ પંજાબના હતા.

૪ લોકોના અવશેષોને હિમાચલના કાંગડા મોકલવામાં આવ્યા, જ્યારે ૭ લોકોના અવશેષ કોલકાતા એરપોર્ટ રવાના કરવામાં આવ્યા. આ દરમિયાન એરફોર્સના જવાનોએ સલામી પણ આપી. વિદેશ રાજ્ય પ્રધાન વી. કે. સિંહે જણાવ્યું કે આ ૩૯ ભારતીયોની જાણકારી વિદેશ મંત્રાલય પાસે નહોતી. આ લોકો ગેરકાયદે વિદેશ ગયા હતા.

ઈરાકમાં ૩૦ નર્સ પણ હતી. માહોલ ખરાબ થયા બાદ વિદેશ મંત્રાલય તેમને ભારત પરત લઈ આવ્યું. જો આ ૩૯ ભારતીયની જાણકારી સરકાર પાસે હોત કે કાયદેસર રીતે તેઓ ગયા હોત તો તેમને પણ બચાવી શકાત. વિદેશ મંત્રાલયે સલાહ આપી હતી કે શબપેટીને ખોલવામાં ન આવે. આ સાંભળ્યા બાદ કેટલાક લોકો એરપોર્ટ પર ધરણાં પર બેસી ગયા હતા.

You might also like