અમેરિકાના ડ્રોન હુમલામાં ISનો પ્રવક્તા અલ-અદનાની માર્યો ગયો

વોશિંગ્ટન: અમેરિકાએ ગયા મહિને સિરિયામાં કરેલા હુમલામાં ખોફનાક આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના પ્રવકતા અબુ મોહમ્મદ અલ-અદનાની માર્યો ગયાના અહેવાલને સમર્થન આપ્યું છે. અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને આ અહેવાલને સમર્થન આપ્યું છે. સંરક્ષણ મંત્રાલયના અહેવાલ અનુસાર અમે સિરિયાના અલબાબ વિસ્તારમાં આઈએસને ખદેડવા માટે હુમલા કર્યા હતા.

ઉત્તર સિરિયામાં ઈસ્લામિક સ્ટેટનો ટોચનો નેતા અને પ્રવકતા અબુ મોહમ્મદ અલ-અદનાનીને નિશાન બનાવીને આ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં સફળતા મળી હતી. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના પ્રેસ સચિવ પીટર કૂકે જણાવ્યું હતું કે આ હવાઈ હુમલામાં આઈએસના પ્રવકતા ઉપરાંત આતંકી સંગઠનના કેટલાય બીજા નેતાઓ માર્યા ગયા છે. આ સાથે જ અમેરિકાએ રશિયાના એ દાવાને માત્ર મજાકરૂપ ગણાવ્યો છે, જેમાં રશિયાએ જણાવ્યું હતું કે અલ-અદનાની તેમના હુમલામાં માર્યો ગયો હતો.

આ હુમલો ૩૦ ઓગસ્ટના રોજ ડ્રોન વિમાનથીઅલ-અદનાની કારની ઓળખ કરીને વિમાન દ્વારા એક હેલફાયર મિસાઈલ છોડવામાં આવી હતી. અલ-અદનાની આઈએસનો મુખ્ય પ્રવકતા હતો અને ગયા વર્ષે પેરિસમાં થયેલા હુમલા ઉપરાંત બ્રસેલ્સ, ઢાકા અને ઈસ્તંબૂલના હુમલામાં પણ તેની મહત્ત્વની ભૂમિકા હતી.

You might also like