ર૦ર૦ સુધીમાં ભારત પર કબજો જમાવવાનો ISનો ખોફનાક પ્લાન

બગદાદ: આઇએસઆઇએસના વડા બગદાદીનું મિશન છે કે ર૦ર૦ સુધીમાં દુનિયાભરમાં પોતાની ખલીફાશાહીની સ્થાપના કરી દે. બગદાદી આ માટે પોતાના મિશનમાં વધુ ને વધુ નવયુવાનોને જોડવા માગે છે. ગુુપ્તચર એજન્સીઓને શંકા છે કે નવી મેસેજ સર્વિસ દ્વારા ઇસ્લામિક સ્ટેટ સરળતાથી નવયુવાનોને ભડકાવી શકે છે. આઇએસઆઇએસએ હવે દુનિયાભરમાં ફેલાયેલા પોતાના સમર્થકોને સોશિયલ મીડિયા દ્વારા સક્રિય કરવાનું શરૂ કરી દીધું છે.

ગઇ સાલ નવેમ્બરમાં ગૃહ મંત્રાલયે એક એલર્ટ જારી કરીને આ ખતરાની ચેતવણી આપી હતી. ગૃહ મંત્રાલયના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં ર૩ ભારતીય નવયુવાનો આઇએસમાં જોડાઇ ચૂકયા છે અને આઇએસ વતી લડતા છ ભારતીયોનાં મોત પણ થયાં છે. આ ઉપરાંત ૮૦ યુવાનો આઇએસમાં જોડાવા દેશ છોડી ચૂક્યા છે. આમ સ્પષ્ટ છે કે આઇએસનો ખતરો હવે ભારત, અમેરિકા સહિત તમામ દેશો માટે ગંભીર બનતો જાય છે.

ચિંતા એ વાતની છે કે બગદાદીની નવી સોશિયલ મેસેજિંગ એપ અસ્તિત્વમાં આવ્યા બાદ ચિંતા વધી ગઇ છે કે તેની મદદથી સુરક્ષા એજન્સીઓને ગંધ આવ્યા વગર વધુ ને વધુ નવયુવાનો સુધી પહોંચ બનાવવી સરળ બની ગઇ છે. ગૃહ મંત્રાલયના અહેવાલ અનુસાર ભારતથી આઇએસમાં જોડાનાર યુવાનોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ પડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશના વધુ ને વધુ યુવાનો આઇએસની જાળમાં ફસાતા જાય છે. આ નવયુવાનોની તાકાત પર આઇએસ આગામી પાંચ વર્ષમાં વધુ ને વધુ દેશો સુધી પોતાનો આતંક ફેલાવવા માગે છે.

થોડા દિવસ પહેલાં એક બ્રિટિશ પત્રકારે પોતાના પુસ્તકમાં આઇએસના આ ખોફનાક પ્લાનનો પર્દાફાશ કર્યો હતો. ર૦ર૦ સુધીમાં આઇએસ સમગ્ર દુનિયાના નકશાને કઇ રીતે બદલી નાખવા માગે છે તેનો નકશો પણ પુસ્તકમાં રજૂ કર્યો હતો. આઇએસ મિશન-ર૦ર૦ હેઠળ ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશો પર કબજો જમાવીને તેને ખુરાસાન નામ આપવા માગે છે. અા નકશામાં ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલના મોટા ભાગના ‌વિસ્તારોને અંદાલુસ નામ આપવામાં આવ્યું છે.

You might also like