રૂ.૩૮ કરોડની વસૂલાત માટે મ્યુનિ. અા સરકારી બિલ્ડિંગોને સીલ કરશે?

અમદાવાદ, શનિવાર
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ માટે ઓક્ટ્રોય નાબૂદી બાદ આવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ છે. તેમ છતાં પાછલાં કેટલાંક નાણાકીય વર્ષમાં તંત્ર પોતાનો ટેક્સ આવકનો નિર્ધારિત લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ નિવડ્યું છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ૪૦ ટકા સ્ટાફની અછત, ડિફોલ્ટરની મિલકતના પાણી-ગટરનાં કનેકશન કાપવાં જેવાં કડક પગલાંનો અભાવ ઉપરાંત ખાસ તો સરકારી મિલકતોની સમયસર ટેક્સ ભરવામાં ઉદાસીનતા વગેરે કારણ મહત્ત્વનાં છે.

રેલવે, પોલીસ, પોસ્ટ અને બીએસએનએલ જેવી સરકારી સંસ્થાઓનો રૂ.૩૮ કરોડથી વધુ પ્રોપર્ટી ટેક્સ તંત્રના ચોકડે બાકી બોલતો હોય તો તે બાબત ખરેખર શરમજનક છે. કરોડો રૂપિયાના ટેક્સનાં લેણાંની વસૂલાત ન થઇ શકવાથી શહેરના વિકાસને પણ માઠી અસર પહોંચે છે.

દર વર્ષે શાસકો દ્વારા ફૂલગુલાબી બજેટ રજૂ કરીને નાગરિકોને વિભિન્ન પ્રોજેકટના હથેળીમાં ચાંદ બતાવાય છે. આકર્ષક સૂત્રો સાથેનું ‘કલરફૂલ’ બજેટ જે તે નાણાકીય વર્ષના અંતે નાણાંના અભાવે નાગરિકોને ઠેંગો બતાવે છે. પ્રોપર્ટી ટેક્સની બાકી નીકળતી કરોડો રૂપિયાની વસૂલાત તંત્ર ગંભીરતાથી કરતું નથી. ટેક્સ રિબેટ યોજનાની મુદત વારંવાર વધારો કરવા છતાં કરચોરો ટેક્સ ભરવા આગળ આવતા નથી, કેમ કે કરચોરો પર સત્તાવાળાઓની કોઇ ધાક રહી નથી.

ટોરેન્ટ જેવી વીજ કંપની ડિફોલ્ટરનું વીજ કનેકશન કાપતાં લેશમાત્ર ખચકાતી નથી, પરંતુ ટેક્સ વિભાગ ડિફોલ્ટરની મિલકત સામે ઢોલ વગાડવામાં પણ ફફડાટ અનુભવે છે. પરિણામે રૂ.૮પ૦ કરોડના ટેક્સ લક્ષ્યાંક સામે ગઇ કાલ તા.૧૬ માર્ચ, ર૦૧૮ સુધી માત્ર રૂ.૭૧૦ કરોડની આવક થાય છે એટલે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં પણ ટેક્સ આવકનો નિર્ધારિત લક્ષ્યાંક આઘો જ રહેશે.

સરકારી મિલકતોનાં બાકી લેણાં પર એક નજર નાખીએ તો રેલવેનો રૂ.૧ર.પપ કરોડથી વધુઽ પોલીસ વિભાગનો રૂ.૯.ર૧ કરોડથી વધુ, બીએસએનએલનો રૂ.૬.ર૩ કરોડથી વધુ, સેન્ટ્રલ જેલનો રૂ.૧.૦૬ કરોડથી વધુ ટેક્સ વસૂલાયો નથી. ગત ર૦૦૭-૦૮થી તંત્ર ટેક્સની કડક ઉઘરાણી કરવામાં બોદું પુરવાર થયું છે. એ વાત અલગ છે કે કોઇ ઓળખાણ-પિછાણ ન ધરાવતા સામાન્ય નાગરિકનો રૂ.૧પ૦૦-ર૦૦૦નો ટેક્સ ‘ઉધાર’ ચઢે તો ટેક્સ વિભાગ સીલ મારવા દોડી જાય છે, પરંતુ કોર્પોરેશન પાસેથી પાણી, ગટર જેવી સુવિધા મેળવ્યા બાદ પણ કરોડો રૂપિયાનો ટેક્સ ભરવાનું ટાળતી આવી સરકારી સંસ્થાઓ સાથે માત્ર ‘વાટાઘાટ’ કરાય છે!

પોલીસ વિભાગની રૂ.૯.ર૧ કરોડથી વધુની બાકી નીકળતી ઉધારીમાં વેજલપુર સ્ટેશન અને તેને સંબંધિત મિલકતનો રૂ.૭૯.૭૦ લાખથી વધુનો મકરબા ખાતેની સુપરિન્ટેન્ડેન્ટ ઓફ રૂરલ પોલીસ ઓફિસનો રૂ.૪૬.૭પ લાખનો ટેક્સ વસૂલાયો નથી. ટૂંકમાં મ્યુનિસિપલતંત્રમાં પોલીસ વિભાગની વિભિન્ન પોલીસ સ્ટેશન, પોલીસ ચોકી અને પોલીસ ક્વાર્ટર્સ મળીને કુલ ૩૭૩૪ મિલકતનો રૂ.૯.ર૧ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી.

અા અંગે પ્રોપર્ટી ટેક્સનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.જે. માલવિયાને પૂછતાં તેઅો કહે છે કે શહેર પોલીસ કમિશનર, રેલવે અોથોરિટી, પોસ્ટ અને બીએસએનએલ અોથોરિટીના વડા સમક્ષ ટૂંક સમયમાં બાકી ટેક્સની વસૂલાત માટે તંત્ર દ્વારા લેખિત રજૂઅાત કરાશે.

You might also like