માયાવતી ભાજપના નવાં મહેબૂબા બની શકશે ખરા?

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણી પહેલાં સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ જતાં અને આ વખતે વિવિધ અનુમાનો મુજબ કોઈ સ્પષ્ટ તસવીર રજૂ થઈ શકી નથી ત્યારે આ વખતે કોની સરકાર રચાશે તે અંગે કોઈ સચોટ આગાહી થઈ શકી નથી તેથી આ ચૂંટણીનાં પરિણામ આગામી જુલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પર અસર કરી શકે તેમ માનવામાં આવી રહ્યું છે. તેથી ભાજપ માટે આ રાજ્યની ચૂંટણી ખાસ મહત્વની બની ગઈ છે. જો ભાજપ આ રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ થશે તો તેને ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં રણનીતિ બનાવવામાં ઘણી મદદ મળી શકે તેમ છે. અને તેથી જ આ વખતની ચૂંટણીમાં ભાજપ તમામ તાકાત લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યો છે. જોકે આવા તમામ પ્રયાસ વચ્ચે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે માયાવતીને પણ યુપીમાં મજબૂત નેતા માનવામાં આવે છે તેથી જો કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળે તો માયાવતી ભાજપ માટે નવા મહેબુબા બની શકે તેવી શક્યતા છે.

ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાન અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયેલા ગઠબંધનથી મુસ્લિમ મતદારોમાં એક રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે યુપીના કુલ મતદારોમાંથી ૧૯.પ ટકા મુસ્લિમ મતદારો છે. જોકે બહુજન સમાજ પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ પણ આ વર્ગના મતદારોને આકર્ષવામાં કોઈ કસર છોડી નથી. તેમની પાસે દલિત વર્ગનો પૂરતો જનાધાર તો છે જ. ઉત્તરપ્રદેશમાં ર૦ ટકા દલિત મતદારો છે અને તેથી જ માયાવતીએ મુસ્લિમ મતદારોને તેમની પાર્ટી તરફ આકર્ષવા અનેક તરકીબ અજમાવી છે. ત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રાજ્યના ત્રિપાંખિયા જંગમાં માયાવતી મેદાન મારી જાય તેવી સંભાવના છે. તેથી જ તેમણે તેમની પાર્ટીમાં ૯૭ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ફાળવી છે. તેમાં કેટલાક આધુનિક વિચારસરણી ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

બીજી તરફ ર૦૧૩માં મુઝફફરગરમાં થયેલા કોમી રમખાણ બાદ આ વિસ્તારમાં ભારે ધ્રુવીકરણ થયું છે અને ર૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદી-શાહની જોડીને રાજયની ૮૦ સીટમાંથી ૭૧ સીટ મળી હતી. કારવા નામની એક પત્રિકામાં એવો દાવો કરવામા આવ્યો છે કે મુસ્લિમ મતદારો માયાવતી પર ‍વિશ્વાસ કરતા નથી. કારણ માયાવતીએ સરકાર બનાવવા બે વખત ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું અને એક મહિલાના નાતે મુસ્લિમ મતદારો માયાવતી પર ભરોસો કરતાં અચકાય છે. આમ પણ માયાવતી મુસ્લિમો સાથે કોઈ ખાસ લાગણીશીલ ભાવના ઊભી કરી શક્યાં નથી. આ તમામ શક્યતા વચ્ચે યુપીમાં આ વખતે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. કેટલાંક સર્વેમાં સપા અને કોંગ્રેસને વધુ સીટ મળશે તેવી આગાહી કરવામાં આવી છે. તો અમુક સર્વેમાં ભાજપ આગળ રહેશે તેમ જણાવવામાં આવી રહ્યુ છે. તો અમુક સર્વેમાં નોટબંધી બાદ લોકોને પડેલી હાલાકીથી ભાજપને નુકસાન થાય તેવી શક્યતા વ્યકત થઈ રહી છે.

જ્યારે બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ચૂંટણી પરિણામ બાદ ભાજપ અને બસપા વચ્ચે ગઠબંધન થઈ શકે તેમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માયાવતી ભાજપ માટે નવા મહેબુબા મુફતી બની શકે તેમ છે. ભાજપ આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને જો તેમની પાર્ટીને બહુમતિ ન મળે તો તેઓ બસપા સાથે ગઠબંધન કરી સરકાર રચવા દાવો કરી શકે તેવી પણ શક્યતા છે.  ઉત્તરપ્રદેશની ચૂંટણીને રાજકીય સ્તરે મહત્વની માનવામાં આવી રહી છે. ભાજપ આ રાજ્યમાં કોઈપણ રીતે સત્તા મેળવવા માગે છે અને બીજી તરફ સપા અને કોંગ્રેસે ગઠબંધન કરી આ વખતે ભાજપને કોઈપણ રીતે અટકાવવાના પ્રયાસ કર્યા છે તેથી હવે કોણ સફળ થાય છે તે જોવાનું રહ્યું.

http://sambhaavnews.com/

You might also like