શું ગ્લોબલ ટી-૨૦ લીગમાં રમી શકશે ભારતીય ક્રિકેટર?

નવી દિલ્હીઃ આઇપીએલની જેમ હવે ક્રિકેટર્સ માટે વધુ એક ટી-૨૦ ટૂર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે, જેમાં ભારતીય ક્રિકેટર્સ રમી શકે તેવી શક્યતા છે. હવે વારો છે ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ) દ્વારા શરૂ થઈ રહેલી ગ્લોબલ ટી-૨૦ લીગનો. સવાલ એ છે કે શું આ લીગમાં ભારતીય ક્રિકેટર રમી શકશે ખરા? કારણ કે ભારતીય ટીમના ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરની મેચમાં વ્યસ્ત હશે. આ કારણે સીએસએ માટે બીસીસીઆઇને મનાવવી થોડી મુશ્કેલ બની રહેશે.

ગ્લોબલ ટી-૨૦ લીગ દરમિયાન ભારતમાં ઘરેલુ ક્રિકેટ સિઝન પણ ચાલતી હશે. આ સ્થિતિમાં આ લીગ માટે પોતાના ખેલાડીઓને રિલીઝ કરવા બીસીસીઆઇ માટે મુશ્કેલ હશે. સીએસએના અધ્યક્ષ ક્રિસ નેનજાનીએ કહ્યું, ”અમે જાણીએ છીએ કે નીતિગત નિર્ણય અંતર્ગત આવું કરવું મુશ્કેલ હશે, જે અંતર્ગત ભારતીય ખેલાડી પોતાની ઘરેલુ લીગ આઇપીએલ સિવાય કોઈ અન્ય લીગમાં નથી રમી શકતા. જોકે અમને આશા છે કે આ અંગે વાતચીત કરીને આ સંભવ બનાવી શકીશું.”

ક્રિસે અંતમાં કહ્યું, ”હાલ કોઈ સમજૂતી થઈ નથી, પરંતુ અમે ઉનાળામાં આ અંગે ચર્ચા આગળ વધારીશું. અમારું માનવું છે કે ગ્લોબલ ટી-૨૦ લીગમાં ભારતીય ખેલાડીઓને સામેલ કરવાથી અમે અમારા માટે ઘણા અવસર ઉજાગર કરી શકીશું.” આ વર્ષે નવેમ્બરમાં ક્રિસ અને સીએસએના કાર્યકારી સીઈઓ થબાંગ મોરોએને ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યાર બાદથી જ સીએસએ અને બીસીસીઆઇ આ અંગે સતત સંપર્કમાં છે.”

You might also like