હવે છૂટાછેડા નિવારવા લગ્ન પૂર્વે કાનૂની કરાર ફરજિયાત બનશે

નવી દિલ્હી: દેશમાં છુટાછેડાના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર હવે લગ્ન પૂર્વેના કરારને કાનૂની સ્વરૂપ આપવા માંગે છે. હવે ટૂંક સમયમાં રાષ્ટ્રીય સ્તરે તેના પર મનોમંથન પ્રક્રિયા ચાલુ થઈ જશે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ તાજેતરમાં કાયદા પ્રધાન સદાનંદ ગૌડાને લગ્ન પૂર્વે છોકરા અને છોકરી વચ્ચે કાનૂની કરાર ફરજિયાત બનાવવા અંગે ચર્ચા કરી હતી અને જો કાનૂનવિદોમાં આ મુદ્દે સર્વાનુમતે સધાશે. તો સંબંધિત જોગવાઈ છુટાછેડાના કાયદામાં ઉમેરવામાં આવશે.

જો આ અંગે નિર્ણય લેવામાં આવશે તો લગ્ન પહેલાં દરેક છોકરા અને છોકરીઓ વચ્ચે લેખિત કરાર કરવો ફરજિયાત બનશે. આ કરારમાં છુટા થવાની પદ્ધતિ, સંપત્તિ, જવાબદારી, લેણી રકમની વિગતો આપવાની રહેશે. સંબંધિત અધિકારી સમક્ષ આ કરારને રજિસ્ટર્ડ કરાવવો પડશે. છુટાછેડાના કિસ્સામાં સંપત્તિના માલિકી હક્કનું વર્ણન પણ કરારમાં બતાવવું પડશે. આથી જો સંબંધો વણસે તો બંનેને કાનૂની રીતે લાભકારક રહેશે.

અત્યારે અદાલતોએ આ પ્રકારની સમજૂતીને રદબાતલ ઠરાવી છે, કારણ કે ભારતીય કાયદામાં તેને સ્વીકૃતિ આપવામાં આવી નથી. લગ્ન પૂર્વે સમજૂતીની સિસ્ટમ પશ્ચિમના દેશોમાં અમલી છે. ભારતમાં છુટાછેડાના કિસ્સાઓ વધતા જાય છે. ૨૦૧૦માં એકલા મુંબઈમાં ૫,૨૪૫ છુટાછેડાના કિસ્સાઓ નોંધાયા હતા. જે વધીને ૨૦૧૪માં ૧૧,૬૬૭ સુધી પહોંચ્યા છે. દર હજાર યુગલે ૧૩ યુગલોના છુટાછેડા થાય છે.

You might also like