૧૬ વર્ષના અનશન બાદ ઈરોમ શર્મિલા જુલાઈમાં લગ્ન કરશે

નવી દિલ્હી: આર્મ્ડ ફોર્સેજ સ્પેશિયલ પાવર એક્ટ સામે ૧૬ વર્ષ સુધી અનશન કરનારી મણિપુરની માનવાધિકાર કાર્યકર ઈરોમ ચાનુ શર્મિલા આગામી જુલાઈમાં તેના બ્રિટિશ મિત્ર ડેસમંડ કૌતન્હો સાથે લગ્ન કરી લેશે.

ઈરોમ અને ડેસમંડ ૨૦૧૧માં પહેલી વાર મળ્યાં હતાં. ત્યારબાદ તેઓ એકબીજાના સંપર્કમાં હતાં, જોકે હજુ લગ્નની ચોક્કસ તારીખ નક્કી થઈ નથી, પરંતુ સંભવતઃ જુલાઈમાં તેઓ લગ્ન કરે તેવી શક્યતા છે. ઈરોમે જણાવ્યું કે અમને કાયદાકીય મંજૂરી મળ્યા બાદ તામિલનાડુમાં લગ્ન કરી લઈશું. ઈરોમ અને ડેસમંડ હાલ તામિલનાડુના મદુરાઈના પ્રવાસે છે. ડેસમંડ મૂળ ગોવાનો બ્રિટિશ નાગરિક છે. ૨૦૦૯માં તેને પહેલી વાર ઈરોમ શર્મિલા અંગે જાણકારી મળી હતી. ત્યારબાદ તેણે ઈરોમ સાથે પત્રવ્યવહાર શરૂ કરી દીધો હતો અને બાદમાં તેઓ એકબીજાની નજીક આવ્યાં હતાં, જેમાં ડેસમંડે ઈરોમને અનશનમાં મદદ કરી હતી.

મણિપુરની આયર્ન લેડી ઈરોમ શર્મિલાના અત્યાર સુધીના જીવનની મોટી ઘટનામાં અનશન, રાજકારણ અને હવે લગ્નજીવન શરૂ થશે. ઈરોમ શર્મિલાએ મણિપુરમાં આફસ્પા હટાવવાની માગણી સાથે ૧૬ વર્ષ સુધી અનશન કર્યા હતા. ગત વર્ષે આ અનશન તોડી તેણે મણિપુર વિધાનસભાની ચૂંટણી લડવા નિર્ણય કર્યો હતો, જોકે તેમાં તેની હાર થઈ હતી અને હવે તે લગ્ન કરવા માગે છે. તેથી તેના સમર્થકોમાં નિરાશા વ્યાપી ગઈ છે.

ડેસમંડે આ વર્ષે એપ્રિલમાં ફેસબુક પર પોસ્ટ કરીને તેનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે હું ટૂંક સમયમાં શર્મિલાને મળવાનો છું અને અમારાં લગ્ન બાદ શર્મિલા જે પણ કામ કરવા માગશે તેને હું મદદ કરીશ. ઈરોમે પણ જણાવ્યું કે તે સામાન્ય ઈચ્છા ધરાવતી સાધારણ મહિલા છે.
http://sambhaavnews.com/

You might also like