૧પ વર્ષથી અનશન કરતી ઇરોમ શર્મિલા આખરે મુક્ત

ઇમ્ફાલ: ઇમ્ફાલની એક અદાલતે જાણીતા માનવ અધિકાર કર્મશીલ ઇરોમ શર્મિલાને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કરવાનો આદેશ કર્યા બાદ આજે તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં.  અત્રે ઉલ્લેખનીય છે કે ઇરોમ શર્મિલા સશસ્ત્રદળ વિશેષાધિકાર કાયદો (અફસ્પા) રદ કરવાની માગણીને લઇને છેલ્લાં ૧પ વર્ષથી અનશન પર છે. મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ)એ ઇરોમ શર્મિલાને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. ઇરોમ શર્મિલા પર અફસ્પા રદ કરવા માટે દબાણ બનાવવા અચોક્કસ મુદતના અનશન કરવા માટે આઇપીસીની કલમ-૩૦૯ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

અદાલતે ઇરોમ શર્મિલાને મુક્ત કરવાનો આદેશ કરતાં જણાવ્યું હતું કે આ મહિલા વિરુદ્ધ આત્મહત્યાના પ્રયાસનો કોઇ પુરાવો નથી. ઇરોમ શર્મિલાએ અદાલત સંકુલમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને ખાતરી છે કે તેઓ લોકોના સહકારથી અફસ્પા રદ કરવાની માગણી મંજૂર કરાવીને જ ઝંપશે. ઇરોમ શર્મિલાએ પોતાની માગણી માટે પોતાના અનશન જારી રાખવા પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

આ અગાઉ પણ અનેક વખત મુક્ત થયા બાદ આત્મહત્યાના પ્રયાસમાં તેમની બીજી વાર ધરપકડ થઇ હતી. તેમણે એ વાત પર નિરાશા વ્યકત કરી હતી કે જે હેતુ માટે તેઓ લડી રહ્યાં છે તેને લોકોનું સમર્થન ઓછું મળી રહ્યુંં છે. ઇરોમ શર્મિલાને અદાલતથી જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ ખાતે પરત લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેઓ ર૪ કલાક પોલીસ સુરક્ષામાં રહે છે.

You might also like