ઇરફાન ખાનને બ્રેઈન કેન્સર ડોકટરોએ જીવલેણ ગણાવ્યું

મુંબઇ, બુધવાર
બોલિવૂડમાંથી ગઇ કાલે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા ઇરફાન ખાનને બ્રેઇન કેન્સર હોવાનું નિદાન થયું છે. તેને મુંબઇની કોકિલાબહેન હોસ્પિટલમાં એડમિટ કરાયો છે. જયપુરના રહેવાસી ઇરફાનને ગ્લિયોબ્લાસ્ટોમા મલ્ટિફોર્મે (જીબીએમ) ગ્રેડ-૪ છે. ડોકટરોના જણાવ્યા મુજબ તેને ‘ડેથ ઓન ડાયગ્નોસિસ’ કહી શકાય છે. આ જીવલેણ બ્રેઇન કેન્સર છે.

મીડિયા રિપોર્ટ મુજબ નિડલ બાયોપ્સી બાદ ડોકટરોને ટયૂમરની સાચી સ્થિતિની જાણ થશે. ત્યાર બાદ કિમો કરાવાશે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ ઇરફાને ટ્વિટ કરીને કહ્યું હતું કે કયારેક કયારેક તમે એક ઝટકા સાથે જાગી જાવ છો. છેલ્લા ૧પ દિવસ મારા જીવનની સસ્પેન્સ સ્ટોરી જેવા રહ્યા.

મારા પરિવાર અને મિત્રો મારી સાથે છે. અમે યોગ્ય રસ્તો કાઢવાની કોશિશ કરી રહ્યા છે. બધા જ ટેસ્ટ થઇ જશે ત્યારે તમને હું મારા વિશે જણાવી દઇશ. ત્યાં સુધી કોઇ પણ પ્રકારનો કયાસ ન લગાવો. મારા માટે માત્ર દુવા કરો.

ઉલ્લેખનીય છે કે ઇરફાન ખાન પોતાના સહજ અભિનય માટે જાણીતો છે. તેની ફિલ્મ સલામ બોમ્બે ઓસ્કારમાં પણ નોમિનેટ થઇ હતી.

તેની કેટલીક ખાસ ફિલ્મોમાં હાંસિલ, મકબુલ, લાઇફ ઇન મેટ્રો, ન્યૂયોર્ક, ધ નેઇમ શેક, લાઇફ ઓફ પાઇ, સાહબ બીબી ઓર ગેંગસ્ટર ટુ અને પાનસિંહ તોમર છે. ર૦૧૧માં તેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયો હતો. ર૦૧રમાં તેને પાનસિંહ તોમર માટે બેસ્ટ એકટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

You might also like