હવે ટ્રેન ટિકિટ સાથે ઓલા અને ઉબેર કેબ પણ બુક કરાવી શકાશે

નવી દિલ્હી, બુધવાર
હવે ભારતીય રેલવે એવા રેલ પ્રવાસીઓને સુવિધા આપવા જઇ રહી છે, જેમને રેલવે પ્રવાસ બાદ ગંતવ્ય સ્થળે પહોંચ્યા પછી રેલવે સ્ટેશનથી ઘરે કે હોટલમાં જવા માટે ટેક્સી બુક કરવામાં મુશ્કેલી પડતી હોય છે. ભારતીય રેલવે હવે એન્ડ ટુ એન્ડ ટ્રાવેલ બુકિંગની સુવિધા આપવા જઇ રહી છે.

હવે રેલવે પ્રવાસીઓ ઇન્ટરનેટ અને એપ પર ટિકિટ બુક કરાવવાની સાથે-સાથે ઓલા કે ઉબેર કેબ પણ બુક કરાવી શકશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)એ ઓલા કેબ સાથે હાલ છ મહિનાનો કરાર કર્યો છે. આ કરાર અનુસાર રેલવે પ્રવાસીઓ આઇઆરસીટીસી કનેક્ટ એપ અથવા વેબસાઇટ પર જઇને પોતાની કેબ બુક કરાવી શકશે
.
રેલવે પ્રવાસીઓ ઓલાની એપ અને આઇઆરસીટીસીના આઉટલેટ પર જઇને પોતાની કેબ બુક કરાવી શકે છે. આઇઆરસીટીસીએ જણાવ્યું હતું કે રેલવે પ્રવાસીઓને એક અઠવાડિયા અગાઉ પોતાની કેબ એડ્વાન્સમાં બુુક કરાવવાની સુવિધા ઉપલબ્ધ બનશે. કેબ બુક કરાવવા માટે સૌ પહેલાં એપમાં લોગ ઇન કરવું પડશે. ત્યારબાદ તેના હોમ પેજ પર આપેલી સર્વિસના ઓપ્શન પર ‌ક્લિક કરવાનું રહેશે અને તેમાં રેલવે પ્રવાસીઓને કેબ બુકિંગનો વિકલ્પ મળશે.

આઇઆરસીટીસી આ સુવિધા રેલવે પ્રવાસીઓને દેશનાં કુલ ૧૦ર શહેરમાં આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે પ્રવાસીઓને હવે મોબાઇલ એપ દ્વારા ડોર સ્ટેપ કનેક્ટિવિટીની સુવિધા મળશે. આ માટે રેલવે પ્રવાસીઓને ઓર્ડિનરી ઓલાના ભાડા જેટલી જ રકમ ચૂકવવી પડશે અને તેમાં કોઇ પણ ડિસ્કાઉન્ટ મળશે નહીં.

You might also like