ઈરાકના મોસૂલમાં નૌકા દુર્ઘટનામાં 61 મહિલાઓ સહિત 94નાં મોત

(એજન્સી) બગદાદ: ઇરાકમાં મોસૂલ શહેર નજીક ટીગરીસ નદીમાં એક નૌકા ડૂબવાથી ઓછામાં ઓછા ૯૪ લોકોનાં મોત થયાં છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ નૌકામાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા જેઓ કુર્દિશના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા.

ડૂબનારામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.આ નૌકા દુર્ઘટનામાં મૃતકોમાં ૬૧ મહિલાઓનો સમાવેશ થાય છે. જોકે પપ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઉત્તરીય નાઇનવેહ પ્રાંતમાં નાગરિક સુરક્ષાના ચીફ કર્નલ ખુશામ કલીલે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે ઘટી હતી જ્યારે મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા બહાર નીકળ્યા હતા.

નવરોજ કુર્દિશ નવું વર્ષ વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. આરોગ્ય મંત્રાલયના પ્રવકતા સૈફ અલ બદરે જણાવ્યું છે કે હજુ સર્ચ ઓપરેશન જારી છે. ટેકનિકલ કારણોસર નૌકા ઊંધી વળી ગઇ હતી. આ ઘટનાનાં સાક્ષીઓના જણાવ્યા અનુસાર નૌકા ડૂબ્યા બાદ કેટલીયે મહિલાઓ અને બાળકોને પાણીનાં ધસમસતાં મોજાંમાં પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, પરંતુ નદીના ઝડપી પ્રવાહને કારણે તેઓ પોતાની જાતને બચાવી શકયા ન હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને વડા પ્રધાન આદેલ અબ્દુલ-મહદીએ તપાસના આદેશ જારી કર્યા છે.

You might also like