ઈરાકની મેટરનિટી હોસ્પિટલમાં આગ: ૧૨ નવજાત શિશુનાં મોત

બગદાદ: ઈરાકની એક મેટરનિટી હોસ્પિટલમાં ગત મોડી રાતે એકાએક આગ લાગતાં આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં 12 નવજાત શિશુનાં શ્વાસ રૂંધાઈ જતાં મોત નિપજ્યાં હતાં. આ તમામ બાળકો પ્રિ મેચ્યોર હતાં. આ ઘટના બગદાદની યારમોક મેટરનિટી હોસ્પિટલમાં બનતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.આગ લાગવાનું ચોકકસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ વીજ ફોલ્ટના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

આ ઘટના બનતાં હોસ્પિટલમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં હોસ્પિટલમાં રહેલી 29 મહિલા અને અન્ય સાત બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે. જયારે આ બનાવમાં 19 મહિલા દાઝી જતાં તેમને અન્ય હોસ્પિટલમાં સરવાર માટે ખસેડાઈ છે. આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરના જવાનોને સતત ત્રણ કલાક ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

હોસ્પિટલની સલામતી પર સવાલ
બગદાદની આ હોસ્પિટલમાં જે પ્રકારે આગની ઘટના બની છે તેને ધ્યાનમાં લેતાં આ હોસ્પિટલમાં આગની ઘટના વખતે રાખવામાં આવતી સલામતીની વ્યવસ્થાને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે. જોકે આ હોસ્પિટલમાં ઈમર્જન્સી માટે તમામ પ્રકારની સુવિધા હોવા છતાં આવી ઘટના કેમ બની તે અંગે સવાલ થઈ રહ્યા છે. પરંતુ આ ઘટનામાં વીજ ફોલ્ટના કારણે આવી ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે સત્તાવાળા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.

You might also like