ઈરાનમાં બે ટ્રેન ટકરાતાં ૪૪નાં મોતઃ ૧૦૦ને ઈજા

અંકારાઃ ઈરાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં આવેલા સેમનાનમાં ગઈ કાલે બે ટ્રેન સામસામે અથડાતાં 44 લોકોનાં મોત થયાં છે, જ્યારે 100થી વધુ લોકોને ઈજા થઈ છે. આ ઘટના બાદ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ રાહત બચાવ કામગીરીને ઝડપી બનાવવા તથા આ અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે.

ઈરાનની સરકારી ટીવી ચેનલના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. ચેનલમાં પાટા પરથી ઊતરી ગયેલી ચાર બોગીઓના ફૂટેજ દર્શાવવામાં આવ્યા છે, જેમાં બે બોગીઓ સળગતી જોવા મળે છે. ઈરાનના રેડ ક્રિસેટના પ્રવકતા મુસ્તફા મોર્તાજવીએ જણાવ્યું કે હાલ ફાયર બ્રિગેડના જવાનો આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. દુર્ઘટનામાં ઈજા પામેલા એક યાત્રિકે જણાવ્યું કે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે હું સૂતો હતો અને મને પહેલાં એવું લાગ્યું કે હવાઈ હુમલો થયો છે પણ મેં બહાર જોયું તો ચારેકોર લોહી વહી રહ્યું હતું.

સેમનાનના ગવર્નર મહંમદ રેજા ખ્વાજાએ સંવાદ સમિતિ ફોર્સને જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધુ હોવાની આશંકા છે, જોકે ટ્રેનમાં કેટલા મુસાફર હતા તે અંગે હજુ જાણવા મળ્યું નથી, જોકે આ ઘટનામાં 100 લોકોને બચાવાયા છે. એક સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર મૃતકોમાં રેલવેના ચાર કર્મચારી સામેલ છે.

home

You might also like