ઇરાન પરના પ્રતિબંધ દૂર થતાં ભારતને થશે ફાયદો!

અમેરિકાએ ઇરાન પરથી દરેક પ્રકારના આર્થિક પ્રતિબંધ દૂર કરતાં તેનો સીધો ફાયદો ભારતને થશે. ભારત પર તેની સૌથી હકારાત્મક અસર તે જોવા મળશે કે ભારત હવે ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ આયાત કરી શકશે. ઇરાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તે પહેલા ભારત ઇરાન પાસેથી ઘણાં મોટા પ્રમાણમાં ક્રુડ ઓઇલ આયાત કરતું હતું. ઇરાન પર પ્રતિબંધ બાદ ભારતે તેમાં કાપ મૂકી દીધો હતો. જો કે હવે પ્રતિબંધ દૂર થતાં ફરી ભારત ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ વધારે પ્રમાણમાં આયાત કરશે.

ભારતની મેંગલોરમાં આવેલ રિફાઇનરી ઇરાનથી આવતા તેલની વિશુધ્ધીકરણ માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી છે. સૌથી પહેલા મેંગલોર રિફાઇનરીને ક્રુડ ઓઇલ મળવા લાગશે. ભારત હવે ઇરાન પાસેથી સૌથી વધુ માત્રામાં તેલ અને ગેસ આયાત કરવાનું વિચારશે. ઇરાનમાં એક બંધ ગેસ પ્લાન્ટને ખરીદવાની ભારતે ઓફર રાખી છે. આ પ્લાન્ટ પર પહેલા જર્મન કંપની કામ કરતી હતી. ભારત-ઇરાન વચ્ચે તેલ ભંડાર માટે સમજૂતી કરાર કરવામાં આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. ઇરાન ભારત માટે એક મોટું બજાર સાબિત થશે.

ઇરાન પર પ્રતિબંધ દૂર થઇ જવાના કારણે હવે ભારતના બજારમાં હવે ઇરાનનું ક્રુડ ઓઇલ પણ જોવા મળશે. કેટલાંક નિષ્ણાંતોના દાવા પ્રમાણે ઇરાનમાં દુનિયાના સૌથી વધુ ગેસ અને તેલનાં ભંડાર આવેલા છે. ઇરાનનું તેલ માર્કેટમાં આવતાં ક્રુડ ઓઇલના ભાવમાં હાલ કોઇ વધારો જોવા નહી મળે તેમ નિષ્ણાંતોનું માનવું છે.

You might also like