કેટલાક નેતાઓએ દાઉદના ભાઈ ઇકબાલને ૧૦૦ કરોડની ખંડણી વસૂલવામાં મદદ કરી

મુંબઈ: અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નાના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ બાદ હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે શું રાજકીય નેતાઓએ કાસકરને ખંડણી ઉઘરાવવામાં મદદ કરી હતી કે કેમ ? આ મામલામાં પોલીસે કાસકરના બે સાગરીતો મુમતાઝ શેખ ઈસરાર અલી જામિલ સહિત ચારની ધરપકડ કરી છે.

મુંબઈ પોલીસને એવો શક છે કે કાસકર અને તેની ગેંગે ધમકી આપીને છેલ્લા ત્રણ વર્ષમાં મુંબઈના બિલ્ડરો અને થાણેના જ્વેલર્સ પાસેથી લગભગ રૂ. ૧૦૦ કરોડની ખંડણી ઉઘરાવી હતી. આ મામલામાં એનસીપીના બે સ્થાનિક નેતાઓની શકમંદ ભૂમિકા અંગે પણ તપાસ થઈ રહી છે. આ નેતાઓએ કાસકર અને બિલ્ડરો વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવી હોવાનો પોલીસને શક છે.

થાણેના પોલીસ કમિશનર પરમબીરસિંહે જણાવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ સ્વયં એક ખંડણી રેકેટના ભાગરૂપ હતો. નોટબંધી અને મંદીના કારણે બિલ્ડરોને ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. આ સંજોગોમાં કાસકર ખંડણીની રકમ ફ્લેટના સ્વરૂપમાં લેતો હતો. ૨૦૧૩થી કાસકર થાણેના મોટા બિલ્ડરોના ધમકાવી રહ્યો હતો.

એક કેસમાં તો કાસકરે બિલ્ડરના રોજાવેલા કોમ્પ્લેકસમાં ચાર ફ્લેટ ખંડણીમાં લઈ લીધા હતા. જેની કિંમત રૂ. ૫ાંચ કરોડથી વધુ હતા. એનસીપીના સ્થાનિક નેતા બિલ્ડર વતી ગેરંટર બન્યા હતા. જોકે એનસીપીના પ્રવકતા નવાબ મલિકના જણાવ્યા અનુસાર આ આરોપો બેબુનિયાદ છે.

પોલીસ કમિશનર પરમબીરસિંહનું કહેવું છે કે પ્રારંભિક તપાસથી એવું જાણ‍વા મળ્યું છે કે કેટલાક મોટા બિલ્ડરો ક્રિમિનલ સિન્ડિકેટનો ભાગ હતા. આ લોકો બળજબરીપૂર્વક ખંડણી અને જમીન પર કબજો કરતા હતા. એટલે સુધી કે ગેંગ પીડિતો પાસેથી રોકડ રકમ, ફ્લેટ અને જમીન ખંડણી તરીકે વસૂલતા હતા. પોલીસને ઓછામાં ઓછી આવી ૧૦ ફરિયાદો મળી હતી અને તેમાંથી કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી.

You might also like