મારો ભાઈ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છેઃ ઈકબાલ

મુંબઈ: મુંબઈની થાણે ક્રાઈમ બ્રાન્ચની અટકાયતમાં રહેલા દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરતાં જણાવ્યું હતું કે હા મારો ભાઈ દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે અને હું કબાડી છું.

થાણેના પોલીસ કમિશનર પરમવીરસિંહે જણાવ્યું કે તેમને ઈકબાલે જણાવ્યું હતું કે ભારતનો મોસ્ટ વાન્ટેડ દાઉદ કરાચીમાં જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે થાણે પોલીસે કાસકરની ગત ૧૯ સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. કાસકરની ધરપકડ કેમ કરવામાં આવી તે અંગે પોલીસે જણાવ્યું કે ૨૦૧૬માં મુંબઈના એક બિલ્ડરને ધમકીભર્યો ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે ચાર ફલેટની ખંડણી માગી હતી. જોકે ડરના કારણે બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. આ દરમિયાન થાણે પોલીસને આ અંગે જાણ થતાં પોલીસે કાસકર સામે કેસ દાખલ કર્યો હતો.અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. કાસકર દાઉદનો ભાઈ હોવાનું બહાર આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દાઉદની બ્રિટન ખાતેની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. સાથોસાથ દાઉદનાં અલગ અલગ નામ અને સ્થળોની યાદી પણ જારી કરવામાં આવી હતી. ત્યારબાદ પણ દાઉદની ધરપકડ કરવા અંગે ભારત તરફથી અનેકવાર પ્રયાસો થયા છે. પણ તેમાં સફળતા મળી નથી. જોકે ભારત તરફથી છેલ્લાં કેટલાંક સમયથી દાઉદને ભારત લાવવા પ્રયાસ થઈ રહ્યા છે.

કાસકર પોલીસને ચકમો આપવા માગતો હતો
કાસકરની ધરપકડ કરનારા પોલીસ અધિકારી પ્રદીપ શર્માએ ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી ઈકબાલ કાસકર પર વોચ રાખી રહ્યા હતા. તે વારંવાર સ્થળ બદલતો હતો તેને પકડવા માટે અમે રાત દિવસ સ્ટાફને તેના પર નજર રાખવા જણાવ્યું હતું. અને તે રીતે તે પોલીસને ચકમો આપી ફરાર થઈ જવા માગતો હતો પણ આખરે તેની ધરપકડ થઈ જતાં તેણે પોલીસને દાઉદ અંગે તમામ માહિતી આપી હતી.

You might also like