નિયમિત રીતે સ્કૂલ જતા હોય તેવા બાળકોનું આઈક્યૂ લેવલ વધે છે

લંડન: બાળકોના આઇક્યૂ લેવલને લઇ હંમેશાં એ પ્રકારની વાત ચાલતી રહે છે કે બાળકોમાં તે કેવી રીતે વધારવું. તાજેતરમાં તેનો જવાબ એક સંશોધન દ્વારા મળ્યો છે, તેમાં કહેવાયું છે કે નિયમિતપણે સ્કૂલ જવાથી વિદ્યાર્થીઓનું જ્ઞાન તો વધે જ છે, સાથે-સાથે તેમનું આઇક્યૂ લેવલ પણ વધે છે.

વિજ્ઞાનીઓ લાંબા સમયથી બતાવી રહ્યા છે કે શિક્ષણનો સમયગાળો અને આઇક્યૂ એકબીજા સાથે જોડાયેલાં છે, પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે શિક્ષણના કારણે આઇક્યૂ લેવલ વધે છે કે પછી વધુ આઇક્યૂવાળા વિદ્યાર્થીઓ લાંબા ગાળા સુધી સ્કૂલમાં રહે છે.

બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના સ્ટુઅર્ટ જે. રિચીએ જણાવ્યું કે અમારા સંશોધનમાં એ વાતના સ્પષ્ટ પુરાવા મળ્યા છે કે શિક્ષણથી આઇક્યૂ લેવલ વધે છે. અમારા સંશોધન દરમિયાન અમે ઘણાં અલગ અલગ સંશોધનનો ઉપયોગ કર્યો હતો તેમાં જાણવા મળ્યું હતું કે આખું વર્ષ સતત સ્કૂલ જતાં બાળકોના આઇક્યૂ સ્કોરમાં એકથી પાંચ અંક સુધીનો સુધારો થયો હતો.

બીજા અભ્યાસમાં શિક્ષણનીતિમાં પરિવર્તનમાં પ્રાકૃતિક પ્રયોગોને સામેલ કરાયા હતા. અભ્યાસ દરમિયાન તપાસ કરવામાં આવી કે જેણે અનિવાર્ય સ્કૂલ શિક્ષણ હેઠળ બે વર્ષ વધુ સમય વીતાવ્યો તેના આઇક્યૂ લેવલમાં કયા પ્રકારનો સુધારો થયો હતો.

ત્રીજા અભ્યાસના પ્રકારમાં સંશોધકોએ એકસરખી ઉંંમરનાં બાળકોની તુલના કરવા માટે સ્કૂલમાં નોમિનેશન માટે કટ ઓફ માર્ક્સનો ઉપયોગ કર્યો. આ અભ્યાસ હેઠળ ૬ લાખ જેટલી વ્યક્તિઓનો અભ્યાસ કરાયો અને તેમાં જાણવા મળ્યું કે એક વર્ષના શિક્ષણમાં બાળકોમાં લગભગ ૩.૩ આઇક્યૂ અંકની વૃદ્ધિ થઇ.

You might also like