આઈપીએસને રજાની અરજી માટે ‘સાથી’નો સાથ લેવો પડશે

અમદાવાદ: રાજ્યના આઇપીએસ અધિકારીઓને રજા મેળવવા હવે લેખિતમાં અરજી કરવાની રહેશે નહીં. ગુજરાત સરકારના જીસ્વાન નેટવર્ક અંતર્ગત ‘સાથી’ એપ્લિકેશન દ્વારા હવે આઇપીએસ અધિકારીઓ ઓનલાઇન રજા માટે એપ્લાય કરી શકશે. એન્ડ્રોઇડ, વિન્ડોઝ કે આઇફોનમાં ‘સાથી’ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે. તા.૧ જાન્યુઆરીથી આ સિસ્ટમ અમલી બનાવી દેવાઇ છે.

રાજ્યના પોલીસ વડા પી. સી. ઠાકુર સહિત તમામ આઇપીએસ અધિકારીને હવે રજા મેળવવા માટે રજૂઆત અને અરજીઓની ઝંઝટમાંથી મુકિત મળી ગઇ છે. આઇપીએસ અધિકારીઓની હવે ઓનલાઇન રજા મંજૂર કરવામાં આવશે. આઇપીએસ અધિકારીઓને એપ્લિકેશનનો કઇ રીતે ઉપયોગ કરવો તેની ખાસ તાલીમ પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોઇપણ આઇપીએસ ઓફિસરને તેમની પી.એલ, સી.એલ, મેડિકલ લિવ, કે પછી લિવ વિધાઉટ પે, મેટરનિટિ લિવ લેવા માટે તેમના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં અરજી કરતા હોય છે. ગૃહસચિવ તેમની રજાઓ મંજૂર કરતા હોય છે. જોકે આ એપ્લિકેશન દ્વારા કોઇપણ આઇપીએસ ઓફિસરને કેટલી રજા લેવી છે અને કયા કારણોસર રજા લેવી છે તેની તમામ વિગતો ‘સાથી’ એપમાં ભરવી પડશે. આ વિગતો રાજ્યના પોલીસ વડાને ફોરવર્ડ કરવામાં આવશે વેરિફિકેશન કર્યા પછી પોલીસ વડા ગૃહ સચિવને તે એપ્લિકેશન ફોરવર્ડ કરશે.

સીઆઇડી ક્રાઇમના એસપી એન. કે.અમીને જણાવ્યું હતું કે સાથી એપ પ્રોજેકટ સાથે સંકળાયેલા આઇપીએસ ઓફિસરને લેખિતમાં અરજી કરીને રજાઓ લેવાની જરૂર નથી. સાથી એપ્લિકેશન દ્વારા તેમને રજાઓ લેવી પડશે. અને ગૃહ સચિવ દ્વારા રજા ઓનલાઇન મંજૂર કે નામંજૂર કરવામાં આવશે.

સાથી એપ્લિકેશન માટે આઇપીએસ અધિકારીઓને આઇડી અને પાસવર્ડ આપવામાં આવ્યો છે. જેમાં તેઓ મોબાઇલ મારફતે સ્ટેટસ જોઇ શકશે. કયા આઇપીએસ કઇ બેચના છે, ક્યાં ક્યાં નોકરી કરી છે, કેટલો પગાર જમા થાય છે, તેમની પ્રોપટી શું છે, એન્યુઅલ રિટર્ન કેટલું ભરે છે, ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચાલે છે કે નહીં, જેવી તમામ વિગતો સાથી એપ્લિકેશનમાં અવેલેબલ છે.

ઉલ્લેખનીય છે કે આ એપ્લિકેશન હેઠળ આગામી દિવસોમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, કોન્સ્ટેબલ સહિત ગુજરાતના તમામ પોલીસ કર્મીઓને સાંકળી લેવાની યોજના છે. આ માટે પોલીસ કર્મીઓનો ડેટા તૈયાર થઇ રહ્યો છે.

You might also like