અાઈપીએસની પુત્રી પર હુમલામાં ‘માસ્કમેન’ના DNA સેમ્પલ મળ્યા!

અમદાવાદ: શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલા સમર્પણ ટાવરમાં આઇપીએસ ઓફિસરની સગીર દીકરી પર હુમલો કરવાની ચકચારી ઘટનામાં એફએસએલની તપાસમાં માસ્કમાંથી હુમલાખોરના ડીએનએનાં સેમ્પલ મળી આવ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે ઘટનાસ્થળ પરથી મળી આવેલું લોહી ભોગ બનનાર સગીરાનું હોવાનો પણ એફએસએલની તપાસમાં બહાર અાવ્યું છે.

ર૭ નવેમ્બર, ર૦૧૬ના રોજ મોડી રાત્રે ગુલબાઇ ટેકરા પાસે આવેલા સમર્પણ ટાવરમાં ઘરમાં ઘૂસીને એક શખસે સિનિયર આઇપીએસ અધિકારીની સગીર દીકરી પર હુમલો કરીને હત્યા કરવાની કોશિશ કરી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર સગીરાએ જણાવ્યું હતું કે માતા લગ્ન પ્રસંગે બહારગામ ગઇ હતી ત્યારે મોડી રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા માણસે તેના બેડરૂમમાં પ્રવેશ કર્યો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપીએ ચહેરા ઉપર કાગળ માસ્ક પહેર્યો હોવાથી તે તેને ઓળખી શકી નહોતી.

આ ચકચારી ઘટનાની તપાસ એસીપી બી. યુ. જાડેજાને સોંપવામાં આવી હતી. તપાસમાં પોલીસે અધિકારીના ઘરમાંથી કાગળનું માસ્ક તથા લોહીના નમૂના મેળવી ગાંધીનગર ખાતે આવેલી એફએસએલ કચેરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. એફએસએલના ડીએનએ વિભાગના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર માસ્ક તથા લોહીના ડીએનએ કરવામાં અાવ્યું હતું, જેમાં માસ્કમેનની ચામડીના સૂક્ષ્મ કોષ કાગળના માસ્ક પરથી મેળવીને તેના ડીએનઅે સેમ્પલ મેળવ્યા છે. જ્યારે ઘટનાસ્થળથી મળી આવેલું લોહી ભોગ બનનાર સગીરાનું હોવાનું ડીએનએ રિપોર્ટમાં સામે આવ્યું છે. બન્ને રિપોર્ટ એફએસએલ દ્વારા તપાસનીશ અધિકારીને સોંપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અા ચકચારી ઘટનાને એક મહિનો થઇ ગયો તેમ છતાંય પોલીસ આરોપીને શોધી શકી નથી. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર સમર્પણ ટાવરમાં ર૪ કલાક પહેરો હોવા છતાં આરોપી કેવી રીતે સગીરાના બેડરૂમ સુધી પહોંચ્યો તે મામલે પોલીસ ગૂંચવાઇ છે. પોલીસે એકઠી કરેલી માહિતી અનુસાર સગીરા પર હુમલો કરીને હુમલાખોર સીડી વાટે નીચે ઊતર્યો હોવાનું સગીરાએ જણાવ્યું હતું, જોકે હુમલાખોર સમર્પણ ટાવરમાં રહેતો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં તપાસ અધિકારીએ સાત કરતાં વધુ શકમંદની પૂછપરછ કરી હતી જોકે હજુ સુધી સગીરા પર હુમલો કોણે કર્યો તે રહસ્ય અકબંધ છે.

એફએસએલ દ્વારા અપાયેલા રિપોર્ટ બાદ હવે તપાસ અધિકારી આરોપી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. માસ્કમાંથી મળી આવેલા હુમલાખોરોના સૂક્ષ્મ કોષોની મદદથી આરોપી કોણ છે તે શોધવું પોલીસ માટે હવે સહેલું બની જશે. પોલીસે પૂછપરછ કરાયેલા સાત કરતાં વધુ શંકમદ તથા ફ્લેટમાં રહેતા ર૦થી ૩૦ વર્ષીય યુવકોના સૂક્ષ્મ કોષો એફએસએલમાં ડીએનએ માટે મોકલવામાં આવે તો ખરેખર આરોપી કોણ છે તે જાણી શકાશે.

કોઇ પણ ચીજવસ્તુનો જ્યારે ચામડી સાથે સ્પર્શ થાય છે ત્યારે ચામડીના સૂક્ષ્મ કોષો (સેલ) ચોંટી જાય છે. સૂક્ષ્મકોષો દેખી શકાતા નથી પરંતુ એફએસએલ કચેરી ખાતે ટચ ડીએનએ મારફતે તેને શોધી શકાય છે. આ કેસમાં કાગળના માસ્ક પર આરોપીના ચામડીના સૂક્ષ્મકોષમાંથી ડીએનઅે સેમ્પલ મેળવવામાં અાવ્યા છે.
http://sambhaavnews.com/

You might also like