ચાર વર્ષ બાદ કેલેન્ડર વર્ષ ૨૦૧૫નું IPO બજાર ગરમ

મુંબઈ: ચાર વર્ષ બાદ કેલેન્ડર વર્ષ ૨૦૧૫ પ્રાઇમરી બજાર માટે ગરમ રહ્યું છે. વર્ષ ૨૦૧૫માં આઇપીઓ દ્વારા કંપનીઓએ ૧૩ હજાર કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આ અગાઉ વર્ષ ૨૦૧૦માં ૬૪ કંપનીઓએ  રૂ. ૩૭,૫૦૦ આઇપીઓ દ્વારા ઊભા કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૧-૧૨માં પ્રમોટર્સ અને ઓપરેટર્સની સાઠગાંઠના પગલે આઇપીઓમાં ભરતા નાના રોકાણકારોને મોટું નુકસાન જતાં નાના રોકાણકારોએ આઇપીઓ ભરવાનું ટાળ્યું હતું અને તેના કારણે પ્રમોટર્સ આઇપીઓ લાવવા માટે પાછી પાની કરતા હતા. પાછલા વર્ષે નવી સરકારની રચના થવાની સાથે જ સેકન્ડરી માર્કેટમાં તેજી જોવાઇ અને આર્થિક સુધારાના પગલે કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં કેટલીક કંપનીઓએ ફરી વાર આઇપીઓ દ્વારા નાણાં ઊભા કરવાનો માર્ગ પસંદ કર્યો.

તાજેતરમાં જ અાલ્કેમ લેબ્સ અને ડો. લાલ પેથ લેબ્સ આઇપીઓને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે અને તેની અસર આઇપીઓ બજાર ઉપર થઈ છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં અત્યાર સુધી ૧૮ કંપનીઓ લિસ્ટેડ થઇ છે, જેમાંથી ૧૨ કંપનીઓમાં ત્રણથી ૧૦૦ ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. આમ આઇપીઓ રિટર્નની બાબતમાં પણ વર્ષ ૨૦૧૫ સકારાત્મક રહ્યું છે.

You might also like