આઈપીઓનાં નાણાંનો દુરુપયોગ કરનાર પ્રમોટર્સ પર ગાળિયો કસાશે

મુંબઇ: કંપનીના પ્રમોટર્સે આઇપીઓનાં નાણાંનો યોગ્ય ઉપયોગ કરવો પડશે, એટલે કે પ્રમોટર્સ આઇપીઓ લાવતા સમયે જે દસ્તાવેજ ફાઇલ કર્યા હશે તે મુજબ જ નાણાંનો ઉપયોગ કરવાનો રહેશે. જો આ અંગે પ્રમોટર્સ યોગ્ય ઉપયોગ ના કરે અને અસંતુષ્ટ શેરધારક સેબીમાં ફરિયાદ કરે તો પ્રમોટર્સ ઉપર કાર્યવાહી હાથ ધરાઇ શકે છે, એટલું જ નહીં શેરધારકને નાણાં પાછાં પણ આપવાં પડી શકે છે. સેબીએ ગઇ કાલે બોર્ડની બેઠકમાં આ અંગેના નિયમોને મંજૂરીની મહોર મારી દીધી છે.

સેબીએ કંપનીઓના લિસ્ટિંગના નવા નિયમો બહાર પાડ્યા છે, જેમાં પ્રમોટર્સે કેટલીક જાણકારી છુપાવી લિસ્ટિંગ સમયે શેરની કિંમતો ઉપર તેની કૃત્રિમ વધ-ઘટ જોવાશે તેવી માહિતી સેબીને ધ્યાનમાં આવશે તો પ્રમોટર્સ વિરુદ્ધ સેબીએ પેનલ્ટી તથા શેર ટ્રેડિંગ રોકવા સુધીની પણ જોગવાઇ કરી છે.

ઉલ્લેખનીય છે કે કંપની પ્રમોટર્સ આઇપીઓ લાવતા સમયે ફાઇલ કરેલા દસ્તાવેજો મુજબ નાણાંનો ઉપયોગ ન કરતાં તેઓ અન્ય જગ્યાએ તથા અંગત લાભાલાભ માટે કરતા હોવાનું સેબીને પાછલા કેટલાય સમયથી ફરિયાદ મળતી હતી. એટલું જ નહીં પ્રમોટર્સ દ્વારા લિસ્ટિંગ સમયે મોટી ઘાલમેલ થતી હોવાની પણ ફરિયાદ ધ્યાને આવી હતી, જેના પગલે સેબી હરકતમાં આવી છે.

You might also like