સરકારનાં ત્રણ વર્ષમાં IPO માર્કેટમાં પણ ચમકારો

અમદાવાદ: નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ ત્રણ વર્ષમાં સેકન્ડરી બજારની સાથેસાથે પ્રાઇમરી માર્કેટમાં પણ સુદારાની ચાલ જોવાઇ હતી. આ સમયગાળામાં કુલ ૫૭ આઇપીઓ આવ્યા હતા. આ આઇપીઓ દ્વારા રૂ. ૪૫,૦૦૦ કરોડનું નાણાકીય ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું. આ સમયગાળામાં સેન્સેક્સમાં ૨૦ ટકાથી વધુનો સુધારો જોવાઇ ચૂક્યો છે.

કુલ આવેલા આઇપીઓમાંથી ૧૬ આઇપીઓ રૂ. ૧૦૦૦ કરોડથી વધુની રકમના હતા. સૌથી મોટો આઇપીઓ આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનો રૂ. ૬,૦૫૭ કરોડનો હતો. એ જ પ્રમાણે ઇન્ટર ગ્લોબલ એવિયેશન કંપનીનો રૂ. ૩,૦૨૫ કરોડ, પીએનબી હાઉસિંગનો રૂ. ૩,૦૦૦ કરોડ અને ઇક્વિટાસ હોલ્ડિંગના રૂ. ૨,૧૭૭ કરોડના આઇપીઓ આવ્યા હતા.

નાનો રોકાણકાર સહિત મ્યુચ્યુઅલ ફંડો અને વિદેશી સંસ્થાગત રોકાણકારની ઊંચી નાણાકીય પ્રવાહિતાના કારણે આઇપીઓ બજારને સપોર્ટ મળ્યો હતો. વર્ષ ૨૦૧૫માં ૧૯ કંપનીઓ રૂ. ૧૩,૦૦૦ કરોડના આઇપીઓ લઇને આવી હતી, જ્યારે વર્ષ ૨૦૧૬માં ૨૬ કંપનીઓએ રૂ. ૨૭ જરા કરોડ આઇપીઓ દ્વારા ઊભા કર્યા હતા. લિસ્ટિંગ ગેઇનમાં એવન્યુ સુપરમાર્ટ અગ્રેસર રહી હતી. આ કંપનીએ ૧૧૪ ટકાનું રિટર્ન લિસ્ટિંગના દિવસે આપ્યું હતું. સ્નોમેન લોજિસ્ટિક કંપનીમાં ૬૭.૫ ટકાનું રિટર્ન છૂટ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like