દાયકામાં IPO દ્વારા સૌથી વધુ ૬૮ હજાર કરોડ ઊભા કરાયા

કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં શેરબજારમાં ૨૫ ટકાથી પણ વધુનો ઉછાળો જોવા મળ્યો છે. રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ સુધારાની ચાલ નોંધાઇ છે. સેકન્ડરી માર્કેટમાં સુધારાની ચાલની પાછળ પ્રાઇમરી બજારમાં પણ તેની સકારાત્મક અસર જોવા મળી છે. સમગ્ર વર્ષ દરમિયાન આઇપીઓના ગ્રે બજારમાં પ્રીમિયમમાં ભાવ બોલાવાના કારણે કંપનીઓ પણ ઊંચા પ્રાઇસ બેન્ડે આઇપીઓ લાવી હતી.

ચાલુ કેલેન્ડર વર્ષમાં ૩૮થી પણ વધુ આઇપીઓ આવી ચૂક્યા છે. કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં ૬૮,૭૦૦ કરોડથી વધુ રૂપિયા એકઠા કરાઇ ચૂક્યા છે, જે પાછલા એક દાયકામાં સૌથી વધુ છે. આ અગાઉ વર્ષ ૨૦૧૦માં રૂ. ૩૫,૭૭૦ કરોડ આઇપીઓ દ્વારા ઊભા કરાયા હતા. જ્યારે છેલ્લા એક દાયકામાં વર્ષ ૨૦૧૪માં સૌથી ઓછા રૂ. ૧૨૦૦ કરોડ આઇપીઓ દ્વારા ઊભા કરાયા હતા. આ કેલેન્ડર વર્ષમાં માત્ર પાંચ ઈશ્યૂ જ આવ્યા હતા.

પ્રાઇમરી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નાના રોકાણકારોના આઇપીઓ બજારમાં વધતા આકર્ષણથી ચાલુ કેલેન્ડર વર્ષમાં કંપનીઓ મોટા પ્રમાણમાં આઇપીઓ લાવી રહી છે.

એક દાયકામાં ઊભાં કરાયેલાં નાણાં
વર્ષ ૨૦૧૭    રૂ. ૬૮,૭૨૯
વર્ષ ૨૦૧૬    રૂ. ૨૬,૩૭૨
વર્ષ ૨૦૧૫    રૂ. ૧૧,૩૬૨
વર્ષ ૨૦૧૪    રૂ. ૧,૨૦૦
વર્ષ ૨૦૧૩    રૂ. ૧,૨૮૩
વર્ષ ૨૦૧૨    રૂ. ૬,૭૪૫
વર્ષ ૨૦૧૧    રૂ. ૫,૭૯૨
વર્ષ ૨૦૧૦    રૂ. ૩૫,૭૭૦
વર્ષ ૨૦૦૯    રૂ. ૧૯,૨૮૩
વર્ષ ૨૦૦૮    રૂ. ૧૮,૩૩૯
વર્ષ ૨૦૦૭    રૂ. ૩૩,૪૨૫
(રૂ. કરોડમાં)

You might also like