નવા આઈપીઓના ગ્રે માર્કેટના પ્રીમિયમમાં મોટાં ગાબડાં પડ્યાં

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી પ્રાઇમરી બજારમાં ગરમાવો જોવા મળ્યો હતો. નવા આઇપીઓમાં ૨૦થી ૪૦ ટકા જેટલું લિસ્ટિંગ ગેઇન મળી રહેવાના કારણે આઇપીઓ બજારમાં રોકાણકારો આકર્ષાયા હતા, તેના કારણે આઇપીઓના ગ્રે માર્કેટમાં પણ ગરમાવો જોવા મળતો હતો, પરંતુ બ્રેક્ઝિટની અસરના કારણે પાછલા સપ્તાહે આવેલ મહાનગર ગેસ અને અાજથી શરૂ થઇ રહેલ ક્વેસ કોર્પ. કંપનીના આઇપીઓના ગ્રે માર્કેટમાં ગાબડાં પડ્યાં છે.

સાકર બજારનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પાછલા સપ્તાહે આવેલા મહાનગર ગેસ લિમિટેડના આઇપીઓમાં ગ્રે માર્કેટમાં ૧૫૦થી ૧૬૦ પ્રીમિયમ ચાલતું હતું. તે ગઇ કાલે ઘટીને ૧૦૦થી ૧૦૫ થઇ ગયું છે. એ જ પ્રમાણે ક્વેસ કોર્પ. કંપનીનો આઇપીઓ આજથી શરૂ થઇ રહ્યો છે. બ્રેક્ઝિટ બાદ તેના પ્રીમિયમમાં પણ ૧૦થી ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે પાછલા સપ્તાહે ૧૪૦થી ૧૬૦નું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં બોલાતું હતું.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે મહાનગર ગેસ કંપની શેર રૂ. ૪૨૧ના ભાવથી ઇશ્યૂ કરી રહી છે, પરંતુ ૧ જુલાઇએ લિસ્ટિંગ થવાનું છે ત્યારે ઇશ્યૂ પ્રાઇસથી માત્ર થોડાક જ ઊંચા ભાવે લિસ્ટિંગ થાય તેવી શક્યતાઓ પાછળ ગ્રે બજારમાં પ્રીમિયમ તૂટ્યું છે.

એ જ પ્રમાણે લાર્સન એન્ડ ટુબ્રો કંપનીની સબસિડાઇઝ કંપની એલએન્ડટી ઇન્ફોટેકનો આઇપીઓ ૧૧ જુલાઇએ શરૂ થઇ રહ્યો છે, પરંતુ ગ્રે માર્કેટમાં આ કંપનીના પ્રીમિયમ માટે હજુ કોઇ હલચલ જોવા મળી નથી.

You might also like