આઈપીઓમાં તેજીની સાથેસાથે ગ્રે માર્કેટમાં ફૂલબહાર સિઝન ખીલી

અમદાવાદ: પ્રાઇમરી બજારમાં ફૂલબહાર સિઝની ખીલી છે. બુધવારે ખૂલેલા ડિક્સન ટેક્નોલોજી અને ભારત રોડ નેટવર્કનો આઇપીઓ આજે બંધ થઇ રહ્યો છે એટલું જ નહીં ચાલુ મહિને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ સહિત વધુ પાંચ આઇપીઓ આવવાની તૈયારીમાં છે, જેના પગલે ગ્રે માર્કેટમાં પણ ગરમાવો જોવા મળ્યો છે. રોકાણકારોની આઇપીઓના ગ્રે માર્કેટમાં એક્ટિવિટી વધી છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આઇપીઓમાં રોકાણકાર દ્વારા લિસ્ટિંગ ભાવનો અંદાજ કાઢવા સામાન્ય રીતે ગ્રે બજારમાં જોવા મળી રહેલા પ્રીમિયમને ટ્રેક કરવામાં આવે છે.

ભારત રોડ નેટવર્ક લિમિટેડનો ૬૦૦ કરોડનો આઇપીઓ આજે બંધ થઇ રહ્યો છે. કંપનીએ રૂ. ૧૯૫થી ૨૦૫ પ્રાઇસ બેન્ડ રાખી છે. સ્થાનિક ગ્રે બજારમાં રૂ. ૧૫થી ૨૦નું પ્રીમિયમ બોલાઇ રહ્યું છે, જ્યારે ડિક્સન ટેક્નોલોજી કંપનીના આજે બંધ થઇ રહેલા આઇપીઓમાં કંપનીએ અપર પ્રાઇસ બેન્ડ રૂ. ૧૭૬૬ રાખી છે. કંપનીની આઇપીઓ દ્વારા રૂ. ૬૦૦ કરોડ ભેગા કરવાની યોજના છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઊંચા વેલ્યુએશન હોવા છતાં ગ્રે માર્કેટમાં શેર દીઠ રૂ. ૬૦૦થી ૬૫૦ પ્રીમિયમ બોલાઇ રહ્યું છે.

મેટ્રીમોની ડોટ કોમનો આઇપીઓ આગામી ૧૧ સપ્ટેમ્બરે ખૂલી રહ્યો છે, જે ૧૩ સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. ૯૮૩થી ૯૮૫ નક્કી કરી છે. ગ્રે માર્કેટમાં રૂ. ૧૦૦થી ૧૫૦નું પ્રીમિયમ બોલાઇ રહ્યું છે. એ જ પ્રમાણે આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સનો ૧૫મી સપ્ટેમ્બરે આઇપીઓ ખૂલી રહ્યો છે. કંપનીએ ઇશ્યૂ પ્રાઇસ રૂ. ૬૫૧થી ૬૬૧ નક્કી કરી છે. રૂ. ૫૭૦૦ કરોડના આ આઇપીઓના કારણે ગ્રે બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

એ જ પ્રમાણે કેપેસિટી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડના રૂ. ૪૦૦ કરોડના આઇપીઓ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. ૨૪૫થી ૨૫૦ નક્કી કરી છે, જેનું પ્રીમિયમ રૂ. ૯૦થી ૧૦૫ની વચ્ચે બોલાઇ રહ્યું છે.

શેરબજારના નિષ્ણાતોના કહેવા પ્રમાણે કંપનીની ઇશ્યૂ પ્રાઇસ કરતાં પ્રીમિયમ દરે લિસ્ટિંગ થાય તો ગ્રે માર્કેટેના હિસ્સેદારોને પણ નફો મળે. નવા આઇપીઓના લિસ્ટિંગના ભાવનો અંદાજ કાઢવા રોકાણકારો ગ્રે માર્કેટના ટ્રેન્ડને ટ્રેક કરી રહ્યા છે.

You might also like