IPL ઇતિહાસનો સૌથી ‘વિરાટ’ બેટ્સમેન બની ગયો કોહલી

કોલકાતાઃ ગઈ કાલે આઇપીએલના મોટા મુકાબલામાં આરસીબીની ટીમે વિરાટ અને ડિવિવિલયર્સની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી કેકેઆરને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની આશાઓને જીવંત રાખી છે, પરંતુ ગઈ કાલે ફરી એક વાર વિરાટ કોહલીએ સાબિત કરી આપ્યું કે તે વર્તમાન ક્રિકેટ વિશ્વનો સૌથી મોટો બેટ્સમેન છે. કોહલીએ ગઈ કાલે ૫૧ બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૭૫ રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટ કોહલીના નામે આઇપીએલ ઇતિહાસનો સૌથી મોટો રેકોર્ડ પણ નોંધાઈ ગયો.

ગઈ કાલે રમેલી ૭૫ રનની ઇનિંગ્સની સાથે જ વિરાટ કોહલી આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. વિરાટના નામે હવે એક જ સિઝનમાં સૌથી વધુ ૭૫૨ રન નોંધાઈ ગયા છે. વિરાટ પહેલાં એક સિઝનમાં સૌથી વધુ ૭૩૩ રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલ અને માઇકલ હસીના નામે હતો. ગેલે વર્ષ ૨૦૧૨માં આરસીબી તરફથી રમતા ૧૫ ઇનિંગ્સમાં અને હસીને વર્ષ ૨૦૧૩માં ૧૭ ઇનિંગ્સમાં ચેન્નઈ તરફથી રમતા આ કમાલ કરી હતી. વિરાટે આ બંને બટ્સમેનોથી બહુ જ ઓછી એટલે કે ૧૨ ઇનિંગ્સમાં જ ૭૫૨ રન ફટકારી દીધા છે, જેમાં તેણે ત્રણ સદી અને પાંચ અર્ધસદી ફટકારી છે.

૧૫ બોલમાં ૪૫ રન પણ બનાવી શકું છું
વિરાટે કહ્યું, ”પહેલા ૨૦-૨૫ બોલમાં એક-એક રન લેવાનો મને કોઈ વાંધો નથી, કારણ કે હું જાણું છું કે પછીના ૧૫ બોલમાં હું ૪૦-૪૫ રન બનાવી શકું છું. હવે મને છગ્ગા ફટકારવાની મારી ક્ષમતા પર વધુ વિશ્વાસ છે. હું જાણું છું કે બધી ટીમ મને ઓફ સ્ટમ્પની બહાર બોલ ફેંકે છે, પરંતુ બાઉન્ડ્રી પર બે ફિલ્ડર તહેનાત રહે છે. તેઓ ઇચ્છે છે કે હું કંઈક મૂર્ખતાપૂર્ણ હરકત કરું, પરંતુ મોટા ભાગે એવું બનતું નથી.”

You might also like