IPLમાં ૧૭ કરોડ કમાનારા વિરાટને સરે કાઉન્ટી ફક્ત રહેવા-જમવાનો ખર્ચ આપશે

નવી દિલ્હીઃ દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાં સામેલ વિરાટ કોહલીને ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સરે તરફથી રમવા માટે મામૂલી રકમ મળશે. કોહલી અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટ મેચ અને આયર્લેન્ડ સામે રમાનારી બે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં રમવાનો નથી, કારણ કે BCCI ઇચ્છે છે કે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલાં ભારતીય કેપ્ટન અને ટોચના ખેલાડીઓને ત્યાંના વાતાવરણમાં પ્રેક્ટિસ કરવાની તક મળે. સરે સાથે વિરાટે આ સપ્તાહમાં જ કરાર કર્યા હતા.

બીસીસીઆઇના એક અધિકારીએ નામ નહીં જણાવવાની શરતે કહ્યું, ”એવી સામાન્ય માન્યતા છે કે કોહલી માટે સરેએ મોટી રકમ ખર્ચવી પડી હશે, પરંતુ સત્ય આનાથી તદ્દન ઊલટું છે. હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે સરે સાથે મહિનાના પ્રવાસ માટે કોહલીને ફક્ત હવાઈ યાત્રા, રહેવા-જમવાના ખર્ચ ઉપરાંત મામૂલી રકમ મળશે.”

બીસીસીઆઇના અધિકારીએ કહ્યું, ”કારણ કે બોર્ડ અને કોહલી ખુદ આવું કરવા ઇચ્છે છે, આથી પૈસાનું મહત્ત્વ હતું જ નહીં. હું રકમ અંગે જણાવી ના શકું, પરંતુ ઘણી ઓછી રકમ છે અને એટલી જ છે, જે કોઈ પણ કાઉન્ટી ખેલાડીને મળે છે. હું એ કહેવા ઇચ્છું છું કે આ કોહલી અને સરે – બંને માટે અનુકૂળ સ્થિતિ છે.”

ઉલ્લેખનીય છે કે આરસીબીએ કોહલીને આ વર્ષે આઇપીએલમાં રેકોર્ડ રૂ. ૧૭ કરોડમાં રિટેન કર્યો હતો. બોર્ડ અધિકારીએ જણાવ્યું, ”સરે કાઉન્ટી વિરાટની છબિનો ઉપયોગ કરવા માગે છે, પરંતુ કોહલીનું ધ્યાન છ મેચ પર હશે, જેમાં ત્રણ રોયલ લંડન કપની ૫૦ ઓવરની મેચ અને ત્રણ કાઉન્ટી – ચાર દિવસીય મેચ સામેલ છે.

કોહલીને સરે સાથેનો કરાર તા. ૧ જૂનથી શરૂ થશે, જ્યારે તે કેન્ટ સામે વન ડે મેચ રમશે. ત્યાર બાદ ત્રણ અને છ જૂને ક્રમશઃ મિડલસેક્સ અને ગ્લેમોર્ગન સામે વન ડે મેચ રમશે. તેનું ચાર દિવસીય મેચનું અભિયાન ૯ જૂનથી શરૂ થશે,
જ્યારે તે હેમ્પશાયર સામે મેદાનમાં ઊતરશે. ત્યાર બાદ વિરાટ ગિલ્ડફોર્ડ (૨૦થી ૨૩ જૂન) અને યોર્કશાયર (૨૫થી ૨૮ જૂન) સામે રમશે.

You might also like