૯ એપ્રિલથી હવે IPLની દે ધનાધન

નવી દિલ્હીઃ ટી-૨૦ ફોર્મેટને બેટ્સમેનોની રમત કહેવામાં આવે છે અને આઇપીએલ પણ એમાંથી બાકાત નથી. તાજેતરમાં પૂરા થયેલા વિશ્વ કપમાં બેટ્સમેનોનો દબદબો રહ્યા બાદ હવે આશા રાખવામાં આવી રહી છે કે તા. ૯ એપ્રિલથી શરૂ થઈ રહેલી આઇપીએલની નવમી સિઝનમાં પણ આવું જ જોવા મળશે. આજે અહીં એવા કેટલાક ખૂંખાર બેટ્સમેનો પર નજર કરીએ, જે રનનો વરસાદ કરવા સક્ષમ છે અને ક્રિકેટ ચાહકોની નજર આ બેટ્સમેનો પર રહેશે.

વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)
વર્ષ ૨૦૧૫ઃ મેચ-૧૬, રન-૫૦૫, સર્વશ્રેષ્ઠ-૮૨* અર્ધસદી-૩
વિરાટ કોહલી નામ છે વિશ્વાસનું. વિશ્વ કપમાં વિરાટે જે ફોર્મ દેખાડ્યું છે તેવા જ પ્રદર્શનની આશા તેની આઇપીએલ ટીમને છે. આઇપીએલની ગત સિઝનમાં પણ કોહલીનું બેટ ખૂબ ગરજ્યું હતું. તાજેતરમાં દિવસોમાં કોહલીના પ્રશંસકોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. તેનું સ્ટારડમ તેની ટીમ માટે ખૂબ ફાયદાકારક થઈ શકે છે.

ક્રિસ ગેલ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)
વર્ષ ૨૦૧૫ઃ મેચ-૧૪, રન-૪૯૧, સર્વશ્રેષ્ઠ-૧૧૭, એક સદી, બે અર્ધસદી
ક્રિસ ગેલ ટી-૨૦ ફોર્મેટનો સૌથી વિધ્વંસક બેટ્સમેન છે. તે જેટલો સમય ક્રિઝ પર હોય છે, એટલી જ ઝડપથી મેચ હરીફના હાથમાં નીકળતી જાય છે. વિશ્વ કપમાં તેનું બેટ બહુ બોલ્યું નહીં, પરંતુ આઇપીએલમાં તેણે ખૂબ રન બનાવ્યા છે. વિશ્વના દરેક બોલરને ક્રિસ ગેલ ખૂંખાર-ઘાતકી બેટ્સમેન લાગે છે.

રોહિત શર્મા (મુંબઈ ઇન્ડિયન્સ)
વર્ષ ૨૦૧૫ઃ મેચ-૧૬, રન-૪૮૨, સર્વશ્રેષ્ઠ-૯૮, ત્રણ અર્ધસદી
ગત વિજેતા મુંબઈ ઇન્ડિયન્સને જો પોતાની બાદશાહત જાળવી રાખવી હશે તો તેના કેપ્ટન રોહિત શર્માનું આ વર્ષની આઇપીએલમાં ચાલવું ખૂબ જરૂરી છે. ટી-૨૦ વિશ્વ કપમાં રોહિતનું પ્રદર્શન સામાન્ય કક્ષાનું રહ્યું હતું, પરંતુ આઇપીએલમાં તે લડાયક પ્રદર્શન કરતો રહે છે. રોહિતને ઊંચા શોટ રમવાનો નિષ્ણાત માનવામાં આવે છે.

સુરેશ રૈના (ગુજરાત લાયન્સ)
વર્ષ ૨૦૧૫ઃ મેચ-૧૭, રન-૩૭૪, સર્વશ્રેષ્ઠ-૬૨, બે અર્ધસદી
આઠમી સિઝન સુધી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમનારા સુરેશ રૈનાના નામે આઇપીએલમાં સૌથી વધુ રન (૧૩૨ મેચમાં ૩૬૯૯) બનાવવાનો રેકર્ડ નોંધાયેલો છે. હવે તે નવી ટીમ ગુજરાત લાયન્સની ટીમનું નેતૃત્વ સંભાળવાનો છે, જેના કારણે તેના પર વધારાનું દબાણ રહેશે. ટી-૨૦ વિશ્વ કપમાં રૈનાનો રંગ ફિક્કો પડ્યો હતો, પરંતુ આઇપીએલમાં તેને હળવાશથી લઈ શકાય તેમ નથી.

સ્ટીવન સ્મિથ (રાઇઝિંગ પુણે)
વર્ષ ૨૦૧૫ઃ મેચ ૧૪, રન ૨૯૩, સર્વશ્રેષ્ઠ ૭૯* બે અર્ધસદી
ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમેલાે સ્ટીવ સ્મિથ આઇપીએલમાં આ વર્ષે એમ. એસ. ધોનીના નેતૃત્વવાળી નવી ટીમ પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમશે. બેટિંગ ઉપરાંત તે બહુ સારો ફિલ્ડર પણ છે. દબાણની ક્ષણોમાં સારા નિર્ણયો લેવામાં નિષ્ણાત એવો સ્મિથ કેપ્ટન ધોનીને ઘણો મદદરૂપ પુરવાર થશે.

You might also like