વર્લ્ડકપની તૈયારી માટે વિદેશી ખેલાડી જતા રહેતા IPL ટીમો નબળી પડી જશે

(એજન્સી), મુંબઈ: IPLનું આયોજન વર્લ્ડકપ પહેલાં થઈ રહ્યું છે. હવે વર્લ્ડકપ શરૂ થવાને બહુ દિવસો બાકી નથી. આથી જ વર્લ્ડકપની તૈયારીઓ કરવા માટે ઓસ્ટ્રેલિયા- ઈંગ્લેન્ડ સહિત ઘણા દેશના ક્રિકેટરો IPL છોડીને પોતપોતાના દેશ પરત ફરશે. આમ થશે ત્યારે ઘણી IPL ટીમો પર અસર પડશે અને આવી ટીમો નબળી પડશે.

સૌથી મોટો ઝટકો હૈદરાબાદને લાગશે
વિશ્વકપની તૈયારીઓ માટે વિદેશી ખેલાડી જતાં રહેવાને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદને સૌથી મોટો ઝટકો લાગવાનો છે. જો ડેવિડ વોર્નરની પસંદગી ઓસ્ટ્રેલિયાની ટીમમાં થશે તો તેણે તૈયારીઓ માટે યોજાતી રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લેવા માટે IPL અધવચ્ચે જ છોડીને ઓસ્ટ્રેલિયા પરત ફરવું પડશે.

પાકિસ્તાન અને આયર્લેન્ડ સામે શ્રેણી માટે ઈંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્સમેન જોની બેરિસ્ટોને IPL છોડીને સ્વદેશ પાછા ફરવું પડશે. અફગાનિસ્તાનના રાશિદ ખાન અને મોહંમદ નબીને આયર્લેન્ડ સામેની ત્રિકોણીય શ્રેણી માટે પોતાના દેશ પાછા ફરવું પડશે, જેની શરૂઆત ૨૪ એપ્રિલથી થઈ રહી છે. સાથે જ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પણ IPLને છોડીને સ્વદેશ પરત ફરવું પડશે. જોકે કેપ્ટન કેન વિલિયમ્સન, માર્ટિન ગપ્ટિલ અને વિલી સ્ટેનલેક IPLની આખી ટૂર્નામેન્ટ રમવાના છે.

ચેન્નઈને ચિંતા નથી
ચેન્નઈ સુપર કિંગ્સને પોતાના વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે વધુ વિચારવાની જરૂર નથી. શેન વોટ્સન અને ડ્વેન બ્રાવો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, જ્યારે મિચેલ સેન્ટનર આખી IPLમાં રમવાનો છે. જો દક્ષિણ આફ્રિકા વિશ્વકપ પહેલાં પોતાની પ્રેક્ટિસ શિબિરની તારીખોની જાહેરાત કરશે તો તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને સ્પિનર ઇમરાન તાહિરને સ્વદેશ પરત ફરવું પડશે, જેના કારણે ચેન્નઈને થોડી મુશ્કેલી પડી શકે છે. જો સેમ બિલિંગ્સને વિશ્વકપ અને આયર્લેન્ડ તેમજ પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરાશે તો તેને પણ સ્વદેશ પરત ફરવું પડશે, જોકે આની સંભાવના બહુ જ ઓછી છે.

દિલ્હી બહુ ફર્ક નહીં પડે
વિશ્વકપની તૈયારીઓ માટે IPL છોડીને પોતાની રાષ્ટ્રીય ટીમમાં પાછા ફરનારા વિદેશી ખેલાડીઓથી દિલ્હી કેપિટલ્સને બહુ ફર્ક નહીં પડે. કેગિસો રબાડાને દક્ષિણ આફ્રિકા પરત ફરવું પડશે. ક્રિસ મોરિસને વિશ્વકપ માટેની ટીમમાં સ્થાન નહીં મળે તો તે IPLમાં રમતો રહેશે. કોલિન મુનરો, ઇન્ગ્રામ, સંદીપ અને ટ્રેન્ટ બોલ્ટ પણ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા રહેશે. જો શેરફેન રુદરફોર્ડ અને કિમો પોલને આયર્લેન્ડ સામેની ત્રિકોણીય શ્રેણી અને વિશ્વકપ માટે વિન્ડીઝની ટીમમાં સ્થાન નહીં મળે તો તે પણ દિલ્હી તરફ રમતા જોવા મળશે.

પંજાબ પર અસર પડી શકે
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ પર મોટી અસર પડી શકે છે. દિલ્હી સામે હેટ્રિક લઈને પંજાબની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સેમ કુર્રનના સ્થાને જો વર્લ્ડકપની ટીમમાં ફાસ્ટ બોલર તરીકે ડેવિડ વિલીનું નામ આવશે તો કુર્રનને ઈંગ્લેન્ડ પરત ફરવું પડશે નહીં. જો પંજાબની ટીમ અંતિમ ચારમાં નહીં પહોંચે તો વિન્ડીઝના ક્રિસ ગેલ, નિકોલસ પુરન અને અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાનને પોતપોતાની રાષ્ટ્રીય ટીમાં જોડાવા માટે સ્વદેશ પાછા ફરવું પડશે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરને પણ પોતાની રાષ્ટ્રીય ટીમમાં પાછા ફરવું પડી શકે છે. હાર્ડ્સ વિલ્જોન અને મોઇસ હેનરિક્સને વિશ્વકપની ટીમમાં સ્થાન મળે એવી બહુ શક્યતા નથી.

આન્દ્રે રસેલની ગેરહાજરી કોલકાતાને પરેશાન કરી મૂકશે
સુનીલ નરૈનને વિશ્વકપની ટીમમાં સ્થાન મળવું બહુ મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે વિન્ડીઝ તરફથી પાછલાં ત્રણ વર્ષથી કોઈ વન ડે રમ્યો નથી. કાર્લોસ બ્રાથવેટની જેમ ક્રિસ લીનના પણ સ્વદેશ પરત ફરવાની શક્યતા બહુ ઓચી છે, પરંતુ આન્દ્રે રસેલને આયર્લેન્ડમાં રમાનારી ત્રિકોણીય શ્રેણી માટે વિન્ડીઝની ટીમમાં બોલાવવામાં આવશે તો કોલકાતાને મોટો ઝટકો લાગશે, કારણ કે રસેલે એક હાથે ઘણી મેચ કેકેઆરની ટીમને જીતાડી આપી છે.

મુંબઈ પાસે અન્ય વિકલ્પ છે
શ્રીલંકાનો લસિથ મલિંગા IPL છોડીને શ્રીલંકા પરત ફર્યો છે. જોકે બાદમાં તે ફરીથી મુંબઈની ટીમ સાથે જોડાઈ શકે છે. પાક. સામેની શ્રેણી રમ્યા બાદ ઓસી.નો જેસન બેહેનડ્રોફ મુંબઈની ટીમ સાથે જોડાઈ ગયો છે, પરંતુ તેને તા. ૧ મેએ ઓસ્ટ્રેલિયા પરત ફરવું પડશે. જોકે મિશેલ મેક્લેન્ઘન, બેન કટિંગ અને કિરોન પોલાર્ડ મુંબઈની ટીમ સાથે જ જળવાઈ રહેશે, કારણ કે આ ખેલાડીઓને વર્લ્ડકપ માટે પોતાની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળે તેવું હાલ લાગી રહ્યું નથી.

રાજસ્થાનની મુશ્કેલી વધશે
વિદેશી ખેલાડીઓ IPL છોડીને જશે તેની બહુ ઊંડી અસર રાજસ્થાનની ટીમ પર પડશે. આ ટીમના સ્ટાર જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ, એશ્ટન ટર્નર અને જોસ બટલરનું વિશ્વકપ માટે તેઓની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળવું નિશ્ચિત જ છે. સ્ટોક્સ, બટલર અને આર્ચરને બહુ જલદી IPL છોડીને સ્વદેશ પરત ફરવું પડશે, જ્યારે સ્મિથ અને ટર્નર વિશ્વકપ માટેની શિબિરમાં ભાગ લઈ શકે છે.

બેંગલુરુને પરવા નથી
માર્કસ સ્ટોઇનિસ અને નાથન કૂલ્ટર નાઇલ પાકિસ્તાન સામેની શ્રેણી બાદ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે જોડાઈ ગયા, પરંતુ તેમણે ટૂંક સમયમાં IPL છોડીને જવું પડશે. આયર્લેન્ડ અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે મોઇન અલીએ પણ ઈંગ્લેન્ડની ટીમમાં પાછા ફરવું પડશે, જ્યારે વિન્ડીઝના શિમરોન હેટમાયરને આયર્લેન્ડમાં ત્રિકોણીય શ્રેણી રમવા માટે જવું પડી શકે છે. જોકે ડિવિલિયર્સ, કોલિન ડિ ગ્રેન્ડહોમ અને િટમ સાઉથી આખી IPL માટે ઉપલબ્ધ રહેવાના છે.

You might also like