૮ ટીમ, ૪૭ દિવસ, ૬૦ મેચઃ આજથી જોરદાર જંગ જામશે

હૈદરાબાદઃ આજથી આઇપીએલની દસમી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. આ લીગે ભારત અને દુનિયાના ક્રિકેટને ઘણી બધી રીતે બદલી નાખ્યું છે. આઇપીએલની સફળતા બાદ દેશમાં વિવિધ રમતોની છ લીગ શરૂ થઈ છે, જેમાં હોકી ઇન્ડિયા, પ્રો કબડ્ડી લીગ, ઇન્ડિયન સુપર લીગ, ઇન્ડિયન બેડમિન્ટન લીગ અને ઇન્ડિયન પ્રીમિયર ટેનિસ લીગ શરૂ થઈ છે. પહેલી આઇપીએલથી અત્યાર સુધીમાં કુલ ૨૦ સ્ટેડિયમમાં આઇપીએલની મેચ રમાઈ ચૂકી છે. આઇપીએલ બાદ સમગ્ર દુનિયામાં ક્રિકેટની છ લીગ શરૂ થઈ છે. આજથી આઇપીએલની માઇલસ્ટોન સમાન દસમી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી ૪૭ દિવસમાં આઠ ટીમ કુલ ૬૦ મેચ રમશે.

અનેક વિવાદો અને સફળતાના ચઢાવ-ઉતારની સાક્ષી બનેલી આઇપીએલ પોતાના દસમા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. આજે હૈદરાબાદમાં આ કમાઉ ટી-૨૦ લીગની શરૂઆત ગત વિજેતા સનરાઇઝર્સ હૈદરાબાદ અને ઉપવિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેના મુકાબલાથી થશે.

ક્રિકેટપ્રેમીઓને દુઃખ એક જ વાતનું છે કે ઘણા સ્ટાર ખેલાડીઓ આઇપીએલની શરૂઆતમાં નથી રમી રહ્યા. આમાં સૌથી મોટું નામ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું છે, જે ખભાની ઇજાના કારણે લીગની શરૂઆતની મેચોમાં રમવાનો નથી. ઘણા અન્ય ભારતીય સ્ટાર પણ સમગ્ર ટૂર્નામેન્ટ કે શરૂઆતના તબક્કામાં નથી રમવાના, જેના કારણે આ ટૂર્નામેન્ટની ચમક થોડી ફિક્કી જરૂર પડી છે. મેચ શરૂ થતાં પહેલાં દસમી સિઝનનો રંગારંગ કાર્યક્રમ યોજાશે, જેમાં બોલિવૂડ અને ક્રિકેટજગતના સ્ટાર્સ પર્ફોર્મ કરશે.

ઈજાના કારણે આરસીબીનો ઓપનર કે. એલ. રાહુલ પણ આ સિઝનમાંથી આઉટ થઈ જવાથી બેંગલુરુને મોટો ઝટકો લાગ્યો છે. આજની મેચમાં બેંગલુરુ ટીમનું નેતૃત્વ વોટન સંભાળવાનો છે, જ્યારે હૈદરાબાદની કોશિશ સારી શરૂઆત કરવાની રહેશે. ડેવિડ વોર્નરની કેપ્ટનશિપવાળી આ ટીમમાં યુવરાજ, શિખર ધવન, આશિષ નેહરા, કેન વિલિયમ્સન જેવા ખેલાડી છે.
http://sambhaavnews.com/

You might also like