મુંબઈના ગઢમાં પંજાબનો પડકારઃ બંને માટે ‘જીત’ એકમાત્ર વિકલ્પ

મુંબઈઃ ખરાબ શરૂઆતથી બહાર આવીને પ્લેઓફ રેસમાં સામેલ થયેલી યજમાન મુંબઈ ઇન્ડિયન્સનો આજે કિંગ્સ ઈલેવન પંજાબ સામે મુકાબલો છે. બંને ટીમ માટે ‘જીત’ એકમાત્ર વિકલ્પ છે. મુંબઈની ટીમે સતત ત્રણ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા ફરીથી જીવંત કરી છે, પરંતુ રાજસ્થાન સામે ગત રવિવારે થયેલા પરાજય બાદ મુંબઈની ટીમ થોડી બેકફૂટ પર આવી ગઈ છે. ૧૨ મેચમાં હાલ ટીમ પાસે પાંચ જીત સાથે ૧૦ પોઇન્ટ છે. કિંગ્સ ઈલેવન પંજાબના છ જીત સાથે ૧૨ પોઇન્ટ છે. પંજાબની ટીમ છેલ્લી પાંચમાંથી ચાર મેચ હારી ચૂકી છે.

મુંબઈનો મજબૂત પક્ષ એ છે કે તેનો રનરેટ સારો છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ગત રવિવારના પરાજયને પાછળ છોડીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા મેદાનમાં ઊતરશે, જેથી સમાન રૂપથી મજબૂત બેટિંગવાળી પંજાબની ટીમને હરાવી શકે.

યજમાન ટીમ એ વાતને લઈને પણ ખુશ છે કે તેનો ઓપનર ઇવિન લૂઇસ ફરી ફોર્મમાં આવી ગયો છે. રોહિત અને અન્ય બેટ્સમેનો પાસેથી પણ ટીમ સારા પ્રદર્શનની આશા રાખી રહી છે. આરસીબી સામેની મેચ બાદ કરતાં રોહિત પોતાની ક્ષમતા અનુસાર સારું પ્રદર્શન કરી શક્યો નથી. પંડ્યા બ્રધર્સ- હાર્દિક અને કૃણાલ ઓલરાઉન્ડરનો રોલ સારી રીતે નિભાવી રહ્યા છે.

મુંબઈ પોતાની બોલિંગને લઈને ચિંતિત હશે, કારણ કે લોકેશ રાહુલ અને ક્રિસ ગેલ જેવા બેટ્સમેનો પર અંકુશ લગાવવા માટે જસપ્રીત બૂમરાહ, હાર્દિક અને ડાબોડી ફાસ્ટ બોલર મિચેલ મેક્લેન્ઘને સારી લાઇન-લેન્થ સાથે બોલિંગ કરવી પડશે. બની શકે કે તેઓ શોર્ટ પિચ બોલને પોતાનું હથિયાર બનાવે, જેવું ગત રવિવારે આરસીબીના બોલર ઉમેશ યાદવે કર્યું હતું. યુવા લેગ સ્પિનર મયંક માર્કન્ડે (૧૪ વિકેટ) અને કૃણાલ પંડ્યાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે બધા વિભાગોમાં વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે. ઓપનર લોકેશ રાહુલ અને ક્રિસ ગેલ પર ટીમ વધુ પડતી નિર્ભર રહે છે. ગત રવિવારે તેના જલદી આઉટ થવા પર બેટિંગ લાઇનઅપ વિખેરાઈ ગઈ હતી અને આખી ટીમ ફક્ત ૮૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે પંજાબની ટીમનો વર્તમાન સિઝનમાં સૌથી ઓછો સ્કોર હતો.

એટલું જ નહીં, અફઘાન સ્પિનર મુજીબ ઉર રહેમાનના હાથમાં થયેલી ઈજા પંજાબ માટે એક ઝટકા સમાન છે. આજની મેચમાં તેનું રમવું શંકાસ્પદ છે. આ સ્થિતિમાં વર્તમાન સિઝનમાં સારું પ્રદર્શન નહીં કરી રહેલા અશ્વિન અને અક્ષર પટેલને વધુ જવાબદારી લેવી પડશે.

You might also like