આજે ઘરઆંગણે પણ કોલકાતા સામે પંજાબની કપરી કસોટી

મોહાલી: પુણે સુપરજાયન્ટસની ટીમ સામે વર્તમાન સ્પર્ધામાં પોતાનો પહેલો વિજય નોંધાવવાના આત્મવિશ્વાસ સાથે કિંગ્સ ઈલેવન પંજાબની આઈ પીએલમાં અગાઉ બે વાર ચેમ્પિયન બની ચૂકેલી તથા ઓલ-રાઉન્ડ તાકાત ધરાવતી કોલકતા નાઈટ રાઇડર્સની ટીમ સામે આજે અહીં રમાનારી મેચમાં તેના ઘરઆંગણે કપરી કસોટી થશે.

કોલકતાની ટીમના ફાળે ત્રણ મેચમાં બે વિજય સાથે ચાર પોઈન્ટ છે અને પંજાબે રવિવારે પુણે સામે છ વિકેટથી વિજય મેળવી પોતાનું ખાતું ખોલ્યું હતું. કાગળ પર કોલકાતાની સમતોલ જણાતી ટીમ પંજાબ સામે ઘણી મજબૂત લાગે છે, પણ ટી-૨૦ જેવા નાના ફોર્મેટની રમતમાં પ્રતિષ્ઠા પ્રમાણે પરિણામ હંમેશાં આવતા નથી અને જે ટીમ મેચના દિવસે સારું રમે છે તે જીતે છે. પણ, કોલકતાની લડાયક બેટિંગ સામે પંજાબની ચોકસાઈભરી બોલિંગ સાથે મેચમાં બન્ને ટીમના કેટલાક ખેલાડી વચ્ચે જંગ જામી શકે છે, જેમાં એ જોવાનું રહે છે કે મોહિત શર્માના ધીમી ગતિના બોલનો ગૌતમ ગંભીર કેવી રીતે સામનો કરે છે અને સંદીપ શર્મા હરીફ એન્ડ્રે રસેલને ગંજાવર છગ્ગા ફટકારતો કેમ રોકી શકે છે.

પંજાબની ટીમના અક્ષર પટેલ જેવા સ્પિનરો માટે પણ કોલકાતા પાસે ધીમી ગતિની બોલિંગને રમી શકે એવા કાબેલ બેટ્સમેન હોવાથી આ મેચ તેઓને મોટો પડકાર ફેંકે છે. ગંભીરે ૨૦૧૧માં નેતૃત્વ સંભાળી લીધા પછી કોલકતાનો દેખાવ સતત સારો રહ્યો છે અને ૨૦૧૨ તથા ૨૦૧૪માં આ સ્પર્ધા જીતવા ઉપરાંત ટીમમાં મુખ્ય ખેલાડીઓમાં કોઈ ફેરફાર કરાયો નથી.

ગંભીર ઉપરાંત રોબિન ઉથપ્પા, મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, રસેલ અને સુનીલ નરૈને છેલ્લાં કેટલાંક વર્ષથી કોહલી, ધોની કે ડી’વિલિયર્સ જેવા કોઈ મોટા સ્ટાર વિનાની ટીમમાં પોતાનું સ્થાન કાયમી બનાવ્યું છે. કોલકતાની ટીમે દિલ્હી ડેરડેવિલ્સ સામે ઘરઆંગણે નવ વિકેટથી તથા યજમાન સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ આઠ વિકેટથી બે મેચ જીતી હતી તથા મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ તેના પરાજય માટે હરીફ સુકાની રોહિત શર્માની ભવ્ય બેટિંગ કારણભૂત બની હતી.
કોલકતાની ટીમના સ્પર્ધામાં અત્યાર સુધીમાં સંગ્રામનો મુખ્ય મુદ્દો ગંભીરની બેટિંગ રહ્યો છે જે કુલ ૧૯૨ રન નોંધાવી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ૧૨૫.૪૯ રનની સ્ટ્રાઈક-રેટ સાથે હાલ મોખરાનું સ્થાન ધરાવે છે તથા તેણે ઉથપ્પા સાથે ઓપનિંગમાં સારી જોડી જમાવી છે.

પંજાબની ટીમ વતી મનન વોહરાએ ત્રણ મેચમાં રમી ૩૮, ૩૨ અને ૬૧ રનનો વ્યક્તિગત સ્કોર કર્યો છે, પણ અન્ય બેટ્સમેન ધારવા પ્રમાણેનો સારો દેખાવ નોંધાવી શક્યા નથી. પુણે સુપરજાયન્ટસ સામે જીતેલી મેચમાં ગ્લેન મેક્સવેલે ૧૪ બોલમાં ૩૨ રન ફટકાર્યા હતા, પણ ભારતની પિચ પર રમવામાં તેને મુશ્કેલી પડી છે તથા તે ફટકાબાજી કરી શક્યો નથી.

You might also like