આજે સ્મિથ-મેક્સવેલની ટક્કર

ઇન્દોરઃ પોતાની પહેલી જ મેચમાં મુંબઈને અંતિમ ઓવરમાં હરાવ્યા બાદ પુણેનો પ્રયાસ આજે પંજાબ સામે રમાનારી મેચમાં પોતાનો વિજય રથ જાળવાનો રહેશે, જ્યારે નવા કેપ્ટન ગ્લેન મેક્સવેલના નેતૃત્વમાં પોતના બીજા હોમગ્રાઉન્ડ ઇન્દોરમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ જીત સાથે શરૂઆત કરવા માગશે. આમ આજે ઓસ્ટ્રેલિયન ટીમના બે સાથી ખેલાડીઓ એકબીજા સામે ટકરાશે.

પુણેની ટીમ પોતાના નવા કેપ્ટન સ્ટીવન સ્મિથની કેપ્ટનશિપમાં રમી રહ્યું છે, જેણે ૮૪ રનની કેપ્ટન્સ ઇનિંગ્સ રમીને ટીમને મુંબઈ સામે જીત અપાવી હતી. પુણેની ટીમ પણ પોતાના જીતના ક્રમને જાળવી રાખવા માગે છે. પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાના લેગ સ્પિનર ઇમરાન તાહિરે શાનદાર પ્રદર્શન કરીને ટીમને એક સારો વિકલ્પ આપ્યો છે. તેની સાથે લેગ સ્પિનર એડમ ઝેમ્પા પણ છે, જે પહેલી મેચમાં ઘણો ઉપયોગી સાબિત થયો હતો. ટીમના બે ફાસ્ટ બોલર અશોક િડન્ડા અને દીપક ચહારે મુંબઈ સામેની મેચમાં જરૂર નિરાશ કર્યા હતા, જોકે પુણે પાસે ઈશ્વર પાંડે અને શાર્દુલ ઠાકુર જેવા વિકલ્પ પણ છે જ.

પુણેને બેટિંગમાં કોઈ ચિંતા નથી. અજિંક્ય રહાણેએ પહેલી જ મેચમાં શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, જ્યારે સ્મિથ, સ્ટોક્સ અને ધોની ઝડપથી રન બનાવી શકે છે. આની સરખામણીમાં પંજાબની ટીમ પાસે અનુભવી ખેલાડીઓ ઓછા છે. જોકે નાના ફોર્મેટના કેટલાક સારા ખેલાડીઓ પણ ટીમ પાસે છે જ. કેપ્ટન મેક્સવેલ, ડેરેન સેમી, ડેવિડ મિલર, ઈઓન મોર્ગન અને વિકેટકીપર રિદ્ધિમાન સાહા જેવા બેટ્સમેનો છે અને બોલિંગમાં મોહિત શર્મા, સંદીપ શર્મા, વરુણ એરોન, અનુરીતસિંહ, મેટ હેનરી, ટી. નટરાજન અને ઈશાંત શર્મા જેવા બોલર્સ પંજાબ સામે છે. ટૂંકમાં, આજની મેચ બહુ જ રોમાંચક બની રહેશે તેમાં કોઈ શંકા નથી.

પીચનો મિજાજ
ઈન્દોરના હોલકર સ્ટેડિયમની પીચ પર સામાન્ય રીતે વધુ રન બનતા રહે છે અને બેટ્સમેનોને અનુકૂળ રહેતી પીચ છે. આથી અહીં ૧૮૦થી ૨૦૦નો સ્કોર નોંધાય તેવી શક્યતા છે. જોકે ટોસ અહીં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.
http://sambhaavnews.com/

You might also like