રાઇઝિંગ પુણેની ટક્કર આજે કોલકાતા નાઇટરાઇડર્સ સામે

પુણેઃ સતત જીત બાદ ઉત્સાહથી છલોછલ રાઇિઝંગ પુણે સુપરજાયન્ટ આજે રાત્રે ૮.૦૦ વાગ્યે બે વારની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મુશ્કેલ પડકારનો સામનો કરવા મેદાનમાં ઊતરશે. શરૂઆતમાં નિરાશાજનક પ્રદર્શનને કારણે પોઇન્ટ ટેબલમાં નીચલા ક્રમે રહેલી પુણેએ ત્યાર બાદથી સતત ત્રણ જીત હાંસલ કરીને હાલ ચોથા નંબર પર કબજો જમાવી દીધો છે. બેન સ્ટોક્સ અને જયદેવ ઉનડકટની અંતિમ ઓવરમાં પ્રભાવશાળી બોલિંગનેકારણે તેણે ગત સોમવારે રાત્રે રોમાંચક મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સને ત્રણ રનથી પરાજય આપ્યો હતો.

પુણેની મજબૂતીઃ
ઓપનિંગ બેટ્સમેન રાહુલ ત્રિપાઠીની બેટિંગથી પણ પુણેના અભિયાનને મજબૂતી મળી છે. ૨૬ વર્ષના મહારાષ્ટ્રના આ ખેલાડીએ ગત ત્રણ મેચમાં ૩૧, ૫૯ અને ૪૫ રનનો સ્કોર બનાવ્યો છે. ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર ધોનીએ પણ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. કેપ્ટન સ્મિથ અને રહાણેએ પણ સમય સમયે યોગદાન આપ્યું છે અને મનોજ તિવારીએ પણ કેટલી ઉપયોગી ઇનિંગ્સ રમી છે.

કોલકાતાની તાકાતઃ
આ સિઝનમાં અત્યાર સુધી કોલકાતા સાત મેચમાં પાંચ જીત અને બે પરાજય સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. કેપ્ટન ગૌતમ ગંભીરે શરૂઆતની મેચમાં બે અર્ધસદી ફટકારી હતી, જ્યારે તે નિષ્ફળ રહ્યો ત્યારે ઉથપ્પા અને મનીષ પાંડેને સારો સ્કોર નોંધાવ્યો. કોલકાતાનો બેટિંગ ક્રમ બહુ જ મજબૂત છે.
http://sambhaavnews.com/

You might also like