આજે પુણે સામે કોલકાતાની નજર પ્લેઓફમાં પ્રવેશ પર

કોલકાતાઃ આજે રાત્રે ૮.૦૦ વાગ્યે અહીંના ઈડન ગાર્ડન્સમાં કોલકાતાની ટીમ પ્લેઓફમાં પ્રવેશ મેળવવા માટે પુણે સામે મેદાનમાં ઊતરવાની છે. હૈદરાબાદ સામેના કારમા પરાજયે કોલકાતાની ટીમનો આત્મવિશ્વાસ થોડો ડગમગાવી દીધો છે. બીજી તરફ ગત રવિવારે ગુજરાત સામેના વિજય બાદ પુણેની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે, એ પણ પ્લેઓફમાં પ્રવેશવા માટેની દાવેદાર બની છે, જે એક સમયે લાગતું નહોતું. બેન સ્ટોક્સે શાનદાર અણનમ સદી ફટકારી પુણેની ટીમને ગુજરાત સામે રોમાંચક જીત અપાવી હતી. કોલકાતાની ટીમ પણ સ્ટોક્સને વહેલો આઉટ કરવા ઇચ્છે છે. આ માટે કોલકાતાની ટીમે ખાસ રણનીતિ પણ તૈયાર કરી છે.

ગંભીરની ટીમે ગત ૨૬ એપ્રિલે રમાયેલી મેચમાં સ્ટીવ સ્મિથની ટીમને સાત વિકેટથી હરાવી હતી. શાનદાર ફોર્મમાં બોલિંગ કરી રહેલા નેથન કુલ્ટરનાઇલ, કુલદીપ યાદવ અને ક્રિસ વોક્સના દમ કોલકાતાનું બોલિંગ આક્રમણ મજબૂત છે, જ્યારે બેટિંગ ગૌતમ ગંભીર, રોબિન ઉથપ્પા, મનીષ પાંડે પર નિર્ભર છે. પુણેની ટીમમાં સ્ટોક્સ ઉપરાંત ધોની, રહાણે, સ્મિથ અને રાહુલ ત્રિપાઠી ફોર્મમાં છે, જ્યારે બોલિંગમાં જયદેવ ઉનડકટ અને ઇમરાન તાહિર કોલકાતાના બેટ્સમેનો સામે મુશ્કેલી ઊભી કરી શકે છે.
http://sambhaavnews.com/

You might also like