વોટસનના એક રનની રૂ. 2.37 લાખ, એક વિકેટની કિંમત 26.38 લાખ

નવી દિલ્હીઃ આઇપીએલની આ નવમી સિઝન છે. દર વર્ષે આ ટૂર્નામેન્ટનું કદ વધી રહ્યું છે અને સાથે જ વધી રહી છે ખેલાડીઓની કિંમત. આ સિઝનની બધી ટીમ લગભગ પોતાની અડધી મેચો રમી ચૂકી છે. એવામાં આ િસઝનના હાફ સ્ટેજમાં એ જાણવું દિલચસ્પ બની રહેશે કે જે ખેલાડીઓ પર ફ્રેંચાઇઝીઓએ અધધ નાણાં ખર્ચ્યાં છે તેવા ખેલાડીઓએ પોતાની ટીમને રિટર્નમાં શું આપ્યું છે.

શેન વોટસન
હરાજીમાં આ સિઝનનાે સૌથી મોંઘાે ખેલાડી બન્યો હતો વોટસન. આરસીબીએ તેને રૂ. ૯.૫ કરોડમાં ખરીદ્યો હતો. હાફ સ્ટેજ એટલે કે આ સિઝનની પોતાની ૧૪માંથી સાત મેચ રમી ચૂકેલી બેંગલુરુની ટીમ માટે વોટસને અત્યાર સુધી ૧૦૦ રન બનાવ્યા છે. અડધી મેચો તો રમાઈ ગઈ છે, તેથી વોટસનની કિંમતને પણ અડધી કરીએ એટલે કે ૪.૭૫ કરોડ. વોટસન ઓલરાઉન્ડર છે તેથી આ કિંમતને પણ બે ભાગમાં વહેંચીએ તો ૨.૩૭ કરોડ રૂપિયા થાય. આનો અર્થ એ થયો કે વોટસનના એક રન માટે આરસીબી તેને રૂ. ૨,૩૭,૫૦૦ ચૂકવી રહી છે, જ્યારે વોટસનની એક વિકેટ આરસીબીને લગભગ રૂ. ૨૬,૩૮,૮૮૯માં પડી રહી છે.

પવન નેગી
આ સિઝનની હરાજીમાં પવન નેગી સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો. દિલ્હી ડેરડેવિલ્સે નેગી પર રૂ. ૮.૫ કરોડ ખર્ચી નાખ્યા. આંકડા દિલ્હીની છ મેચ બાદના છે, જેમાં નેગી પાંચ મેચમાં રમ્યો છે. છ મેચની નેગીની કિંમત થઈ ૩,૬૪,૨૮,૫૭૧ રૂપિયા. હજુ સુધી એક પણ વિકેટ નેગીએ ઝડપી નથી અને કુલ રન બનાવ્યા છે ફક્ત ૩૨. આ હિસાબથી તેના એક રનની કિંમત થાય છે લગભગ ૧૧,૩૮,૩૯૩ રૂપિયા. એ જ કારણ છે કે ટીમનો વિશ્વાસ પણ નેગી પરથી ઊઠી રહ્યો છે અને કોલકાતા સામેની મેચમાં નેગીને બાઉન્ડરી લાઇનની બહાર બેસાડી દેવામાં આવ્યો હતો.

આંકડા ખોટું નથી બોલતા
આ આંકડા છે અને આંકડા ખોટું નથી બોલતા. એ પણ સત્ય છે કે કદાચ આખી તસવીરનું હાલ વર્ણન થઈ શકે નહીં, જેમ કે કુલ રન અને કુલ વિકેટનો આંકડો તો દેખાઈ આવે છે, પરંતુ અણીના સમયે આક્રમક ૨૦-૩૦ રન બનાવીને મેચ જીતાડવાનું પણ એક મહત્ત્વ હોય છે. જરૂર પડે ત્યારે અંતિમ ઓવરોમાં કરકસરયુક્ત બોલિંગ કરીને મેચ જીતાડવાનું પણ એક મહત્ત્વ હોય છે. યુવરાજ જેવા ખેલાડી પર સનરાઇઝર્સ હૈદરાબાદે સાત કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. યુવરાજ ઈજાગ્રસ્ત હોઈ હજુ સુધી એક પણ મેચ રમી શક્યો નથી.

નેહરા પર સનરાઇઝર્સે ૫.૫ કરોડ રૂપિયા ખર્ચ્યા, પરંતુ તે ઈજાગ્રસ્ત થઈ ગયો. નેહરાએ અત્યાર સુધીમાં ત્રણ મેચમાં બે વિકેટ જ ઝડપી છે. જ્યારે બ્રેથવેટ તેવા ખેલાડી પર જ્યારે ૪.૨૦ કરોડની બોલી લાગી તો ખુદ બ્રેથવેટ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. શરૂઆતની મેચોમાં તે પોતાનું ટી-૨૦ વર્લ્ડકપવાળું પ્રદર્શન દેખાડી શક્યો નથી, પરંતુ પછીથી ૧૧ બોલમાં ૩૪ રનની ઇનિંગ્સ રમીને મેચનો વિપક્ષી ટીમના હાથમાંથી ઝૂંટવી લેવી આવા ખેલાડીઓ પર મોટી બોલી લગાવવા માટે મજબૂર કરે છે, પરંતુ એ પણ સત્ય છે કે વાત જ્યારે આ સિઝનના સૌથી મોંઘા બે ખેલાડીઓની હોય તો તેઓ ક્યાંક કે ક્યાંક પોતાની ફ્રેંચાઇઝીને મોંઘા તો પડી જ રહ્યા છે.

You might also like