ક્યાં ગયો માહીનો એ મેજિક?

નવી દિલ્હીઃ આઇપીએલની નવમી સિઝનમાં જે બે કેપ્ટનોને મેચ વિનર માનવામાં આવતા હતા, આજે તેઓ એક જીત માટે તરસી રહ્યા છે. અહીં વાત થઈ રહી છે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની. આ બંને પોતપોતાની ટીમની સૌથી મોટી તાકાત છે, પરંતુ તેઓની ટીમ એટલી નબળી લાગી રહી છે કે તમામ કોશિશો છતાં તેઓ પરાજયને ખાળી શકતા નથી. એટલે કે કેપ્ટન તો કમાલ છે, પરંતુ તેમની ટીમ બેહાલ નજરે પડી રહી છે.

મહેન્દ્રસિંહ ધોની એ કેપ્ટન છે, જેણે એક વાર નહીં બે બે વાર આઇપીએલનો ખિતાબ પોતાની ટીમને અપાવ્યો છે, પરંતુ આજે એક જીત માટે તે તરસી રહ્યો છે. ધોનીની પુણે ટીમ અત્યાર સુધીમાં પાંચ રમી ચૂકી છે, પરંતુ ફક્ત એક મેચ જ જીતી શકી છે. સતત ચાર હાર બાદ ધોનીને એ ખબર નથી પડતી કે કયા કોમ્બિનેશન સાથે તે મેદાનમાં ઊતરે. કઈ બેટિંગ લાઇનઅપ રાખે અને કયા બોલરનો ઉપયોગ કરે. તે પાછલી ચાર મેચમાં અલગ અલગ ટીમ કોમ્બિનેશનલ સાથે ઊતરી ચૂક્યો છે. તેણે પાંચ મેચમાં કુલ ૧૬ ખેલાડીઓને અજમાવ્યા છે. ક્યારેક ઇરફાન પઠાણને પ્લેઇંગ ઇલેવનમાં લીધો તો ક્યારેક એલ્બી મોર્કલને, ક્યારેક ઈશાંતને તો ક્યારેક આર. પી. સિંહને તક આપી, પરંતુ પરિણામ તો એનું એ જ રહ્યું. એ ધોની, જે એક સમયે ખેલાડી પાસેથી સારું પ્રદર્શન કરાવી શકતો હતો તે આજે ખુદ પરેશાન છે. એક પછી એક મેચ હારીને છેવટે ધોનીએ કહી દીધું કે તેની પાસે ના તો સારા બેટ્સમેન છે કે ના તો સારા બોલર.

ધોનીની ટીમમાં કોઈ મેચ વિનર નથી. તેની પાસે ડ્વેન બ્રાવો જેવો ઓલરાઉન્ડર નથી. હવે ધોની પણ ખુદ એક મેચ વિનરની ભૂમિદા અદા કરી શકતો નથી. આ ઉપરાંત ધોનીની ટીમની બેટિંગ બહુ જ નબળી છે. અજિંક્ય રહાણે દરેક મેચમાં રન બનાવી રહ્યો છે, પરંતુ રહાણે બાદ આ બેટિંગ લાઇનઅપ સ્ટીવ સ્મિથ અને ફાફ ડુ પ્લેસી પર ખતમ થઈ જાય છે. ધોની પાસે આક્રમક બેટ્સમેન નથી.

ધોનીની ટીમના બોલર્સની હાલત પર વધુ ખરાબ છે. ધોની અત્યાર સુધીમાં ૧૦ બોલર્સને અજમાવી ચૂ્ક્યો છે. ટમના સૌથી અનુભવી બોલર ઈશાંત શર્માએ ચાર મેચમાં ૯.૮ના ઇકોનોમી રેટથી રન લૂંટાવ્યા છે તો અશ્વિન પાંચ મેચમાં એક જ વિકેટ ઝડપી શક્યો છે. એવામાં ધોની કોના પર દાવ રમે? નવી ટીમ હોવાને કારણે ધોનીને પોતાનું ટીમ કોમ્બિનેશન બનાવવામાં સમય લાગી રહ્યો છે, પરંતુ તેણે બહુ જલદી આ મુશ્કેલીનો ઉકેલ શોધવો પડશે. ક્યાંક એવું ના બને કે કોમ્બિનેશન શોધતા શોધતા આઇપીએલની નવમી સિઝનમાંથી તેની ટીમ બહાર ફેંકાઈ જાય.

You might also like