આઇપીએલની પીચ પર વરસ્યા રૂ. ૨૫૦૦ કરોડ

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની થોડા દિવસ પહેલાં પૂરી થયેલી નવમી સિઝનમાં બધા મળીને લગભગ ૨૫૦૦ કરોડની આવક થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેવન્યુ ગ્રોથ બે આંકડામાં રહ્યો છે. આ આંકડામાં ટેલિવિઝન અને ડિજિટલ ચેનલ્સને જાહેરાતમાંથી મળેલી રેવન્યુની સાથે ટીમની સ્પોન્સરશિપમાંથી થતી કમાણી, ટિકિટોનું વેચાણ, મર્ચેડાઇઝિંગ અને ઓનગ્રાઉન્ડ સ્પોન્સરશિપથી બીસીસીઆઇને થનારી કમાણી પણ સામેલ છે. નિશ્ચિત રીતે જ આવકનો એક મોટો હિસ્સો ટેલિવિઝન દ્વારા આવ્યો છે, કારણ કે કંપનીઓએ લગભગ બે મહિના ચાલેલી આ ટૂર્નામેન્ટ દરમિયાન મોટા પ્રમાણમાં જાહેરાતો આપી હતી.

સત્તાવાર પ્રસારણકર્તા સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાએ લગભગ ૧૧૦૦ કરોડની કમાણી કરી હતી, જ્યારે આઇપીએલ ફ્રેંચાઇઝીએ સ્પોન્સર્સ પાસેથી ૨૦૦-૩૦૦ કરોડની કમાણી કરી. બીસીસીઆઇને ઓનગ્રાઉન્ડ સ્પોન્સરશિપમાંથી ૨૨૦-૨૫૦ કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે મીડિયા બાયર્સના જણાવ્યા અનુસાર આઇપીએલના ડિજિટલ રાઇટ્સ જેની પાસે હતાતે હોટસ્ટારે લગભગ રૂ. ૪૦ કરોડની કમાણી કરી છે.

મીડિયા બાઇંગ એજન્સી મીડિયાવેસ્ટ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ મલ્લિકાર્જુનદાસે કહ્યું, ”ભારત એવું માર્કેટ છે, જ્યાં મોટી સંખ્યામાં નવી બ્રાન્ડ્સ લોન્ચ થઈ રહી છે. આઇપીએલની વ્યુઅરશિપ પણ મજબૂત બની રહી છે. મારું માનવું છે કે જાહેરાત આનો મુખ્ય આધાર બની રહેશે.”

આઇપીએલે ફક્ત જાહેરાત દ્વારા જ કમાણી નથી કરી, પરંતુ આ સિઝનમાં ૧૫૦-૧૬૦ કરોડ રૂપિયાની ટિકિટના વેચાણમાંથી કમાણીકરી છે. ગ્રૂપ એમની કંપની આએસપી પ્રોપર્ટીઝના બિઝનેસ હેડ વિનિત કર્ણિકે કહ્યું, ”આઇપીએલને એક ફેસ્ટિવલની જેમ સેલિબ્રેટ કરવામાં આવે છે, જે ભારતને જોડી રાખે છે. આ ક્રિકેટનાે આનંદ ઉઠાવવા માટે પરિવારો, મિત્રો અને સહયોગીઓને એકસાથે લાવવાનું કામ કરે છે.”

ટિકિટ વેચાણની આવકના મામલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રૂ. ૨૫-૨૬ કરોડ, મુંબઈ ઇન્ડિયન્સે રૂ. ૨૪-૨૬ કરોડ, દિલ્હી ડેરડેવિલ્સે રૂ. ૨૨-૨૪ કરોડની કમાણી કરી છે અને લિસ્ટમાં ટોચના સ્થાને રહી છે. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સે રૂ. ૧૮-૨૦ કરોડ, કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૬-૧૮ કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૫-૧૬ કરોડ, ગુજરાત લાયન્સે રૂ. ૧૪-૧૬ કરોડ અને કિંગ્સ ઈલેવન પંજાબે ૧૩-૧૪ કરોડ રૂપિયાની કમાણી ટિકિટના વેચાણ દ્વારા કરી છે.

બીસીસીઆઇને ટિકિટના વેચાણમાંથી લગભગ રૂ. ૧૦ કરોડ મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલ વાર્ષિક ૧૦-૧૨ ટકાની ગણતરીએ વિકાસ કરી રહી છે.

You might also like